નેશનલ

ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઝારખંડના મુખ્ય પ્રધાનને નવું સમન્સ મોકલાવ્યું

રાંચી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ કથિત જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને નવું સમન્સ મોકલાવ્યું છે, એવી માહિતી સત્તાવાર સાધનોએ આપી હતી. ૪૮ વર્ષના સોરેનને કેન્દ્રીય એજન્સીની હિનુ વિસ્તારની ઓફિસમાં પ્રીવેન્શન મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ જુબાની આપવા અને નિવેદન નોંધાવવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૨ ડિસેમ્બરનું તેડું મોકલવામાં આવ્યું છે.

સોરેનને આ છઠ્ઠી નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ તેઓ એકેય વાર હાજર થયા નથી. સોરેને પહેલાં સુપ્રીમ કોર્ટમાં અને ત્યાર બાદ ઝારખંડ હાઈ કોર્ટમાં પીટિશન નોંધાવી હતીે અને એમાં ઈડીની કાર્યવાહી સામે રક્ષણ માગવામાં આવ્યું છે અને સમન્સને બિનજરૂરી ગણાવ્યા છે. બન્ને અદાલતે સોરેનની પીટિશન ફગાવી દીધી છે.
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના નેતા સોરેને હાઈ કોર્ટમાં દાવો કર્યો હતો કે દ્વેષથી પ્રેરાઈને મને સમન્સ મોકલવામાં આવ્યું છે અને રાજ્યમાં અરાકતા અને અનિશ્ર્ચિતતા ફેલાવવાના એકમાત્ર હેતુથી મારી સામે ખોટા આક્ષેપો કરાયા છે.

ઈડીએ ૧૪ ઓગસ્ટે સોરેન સામે પહેલો સમન્સ કાઢ્યો હતો.

ઈડીની તપાસ એ આક્ષેપની તપાસ કરે છે કે ઝારખંડમાં ભૂમિની માલિકી ગેરકાયદે રીતે બદલવાનું મોટું કૌભાડ ચાલે છે.

ઈડીએ કથિત ગેરકાયદે ખાણ ખોદવાને લગતા મની લોન્ડરિંગ કેસમાં ગયા નવેમ્બરે સોરેનની પૂછપરછ કરાઈ હતી.(એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button