કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી, ઈડીએ કેસ કર્યો
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા (CM Siddaramaiah) અને કેટલાક અન્ય લોકો સામે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(MUDA) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ મામલે કેસ દાખલ કર્યો છે. રાજ્ય લોકાયુક્તની તાજેતરની એફઆઇઆરને ધ્યાને લઇને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ આજે જણાવ્યું હતું.
સિદ્ધારમૈયા, તેમની પત્ની બી એમ પાર્વતી, તેમના સાળા મલ્લિકાર્જુન સ્વામી અને દેવરાજુ(જેની પાસેથી સ્વામીએ જમીન ખરીદીને પાર્વતીને ભેટમાં આપી હતી) અને અન્ય લોકોના નામ મૈસુર સ્થિત લોકાયુક્ત પોલીસ સંસ્થા દ્વારા ૨૭ સપ્ટેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં નોંધવામાં આવ્યા છે.
ગયા અઠવાડિયે બેંગલુરુની એક વિશેષ અદાલતે આ કેસમાં સિદ્ધારમૈયા સામે લોકાયુક્ત પોલીસ તપાસનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ એફઆઇઆર નોંધવામાં આવી હતી. સિદ્ધારમૈયા પર મુડા દ્વારા તેની પત્નીને ૧૪ જગ્યાઓની ફાળવણીમાં ગેરરીતિના આરોપો છે.
ઇડી તેના એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ(ઇસીઆઇઆર)માં સિદ્ધારમૈયા સામે કેસ દાખલ કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ)ની કલમોનો ઉપયોગ કરે તેવી અપેક્ષા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ફેડરલ એજન્સી લોકાયુક્ત પોલીસની એફઆઇઆરનો અભ્યાસ કરી રહી છે. પ્રક્રિયા અનુસાર ઇડીને આરોપીઓને પૂછપરછ માટે બોલાવવાનો અને તપાસ દરમિયાન તેની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર છે.