‘મહાદેવ’ ઍપ કેસમાં ઇડીએ નવેસરથી ચાર્જશીટ નોંધાવી
નવી દિલ્હી / રાયપુર: એન્ફાર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ ગેરકાયદે બૅટિંગ અને ગૅમિંગ ઍપ ‘મહાદેવ ઓનલાઇન બુક ઍપ’ની સામે રાયપુરમાંની ખાસ અદાલતમાં નવેસરથી તહોમતનામું નોંધાવ્યું હતું. ‘મહાદેવ’ ઍપ પર કાળાં નાણાં ધોળાં કરવાનો આરોપ છે. તેના બે પ્રમોટર – રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રકરને દુબઇથી ભારત લાવવા ઇડી દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે. ઇડી દ્વારા નવેસરથી નોંધાવાયેલી ચાર્જશીટ દુબઇના સત્તાવાળાઓને પણ અપાશે.
અગાઉ, ઇડીની વિનંતિને પગલે આંતરરાષ્ટ્રીય પોલીસ (ઇન્ટરપોલ) દ્વારા બહાર પાડવામાં આવેલી રેડ નોટિસના સંબંધમાં દુબઇમાં રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રકરની અટક કરાઇ હતી.
ઇડીએ પ્રથમ તહોમતનામું સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના સત્તાવાળાઓને આપ્યું હતું અને તેને પગલે બિનજામીનપાત્ર વૉરંટ પણ બહાર પડાયું હતું.
અસીમ દાસ, પોલીસ કોન્સ્ટેબલ ભીમસિંહ યાદવ, શુભમ સોની સહિત અન્ય કેટલાકના નામ અંદાજે ૧,૮૦૦ પાનાંની નવી ચાર્જશીટમાં છે.
ઇડીના વકીલ સૌરભ પાણ્ડેયે જણાવ્યું હતું કે કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ રોકવા માટેના કેસ હાથ ધરતી અદાલત ૧૦ જાન્યુઆરીએ નવા તહોમતનામા અંગે નિર્ણય લે એવી શક્યતા છે.
છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની પહેલા નવેમ્બરમાં દાસ અને યાદવની ધરપકડ કરાઇ હતી.
ઇડીએ પ્રથમ તહોમતનામામાં આક્ષેપ કર્યો હતો કે ચંદ્રકરે યુએઇમાં ૨૦૨૩ના ફેબ્રુઆરીના કરેલા લગ્નમાં રોકડા અંદાજે રૂપિયા ૨૦૦ કરોડનો ખર્ચ કરાયો હતો. ભારતમાંથી સગાં અને સેલિબ્રેટીઝને યુએઇ લઇ જવા માટે ખાનગી વિમાન ભાડે પણ કરાયું હતું.
(એજન્સી)