ડ્રગ્સની હેરફેર સાથે જોડાયેલા કેસમાં ઇડીના મહારાષ્ટ્ર સહિત છ રાજ્યમાં દરોડા

નવી દિલ્હી: ડ્રગ્સની હેરફેર સિન્ડિકેટ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આજે છ રાજ્યમાં એક સાથે દરોડા પાડ્યા હતા, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ નોંધાયેલા કેસના ભાગરૂપે પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ૧૫થી વધુ સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા.
ઇડીનો કેસ બે ડ્રગ પેડલર્સ અને એક કથિત વચેટિયા એલેક્સ પાલીવાલ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટની વિવિધ કલમો હેઠળ પંજાબ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) દ્વારા ૨૦૨૪માં નોંધાયેલી એફઆઈઆર પરથી ઉદ્ભવ્યો છે.
આ પણ વાંચો - કેવી હશે 5000 રૂપિયાની નોટ? RBIએ શું કહ્યું જાણી લો એક ક્લિક પર…
સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સીએ દરોડા દરમિયાન બાયોજેનેટિક ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ, સીબી હેલ્થકેર, સ્મિલેક્સ ફાર્માકેમ ડ્રગ ઇન્ડસ્ટ્રીઝ, સોલ હેલ્થ કેર (I) પ્રાઇવેટ લિમિટેડ અને એસ્ટર ફાર્મા નામની કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓના પરિસરને આવરી લીધા હતા, ઉપરાંત કેટલાક જોડાયેલા વ્યક્તિઓના સ્થાનોને પણ આવરી લીધા હતા.
ગયા વર્ષે હાથ ધરવામાં આવેલી કામગીરીના ભાગરૂપે પંજાબ પોલીસે સાત જણની ધરપકડ કરી હતી અને માદક દ્રવ્ય બનાવતી ફાર્મા દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો.