ટોપ ન્યૂઝનેશનલ

સોનિયા અને રાહુલ ગાંધી સામે એક્શન લેતા કોંગ્રેસ લાલઘૂમ: આવતીકાલે વિરોધ પ્રદર્શન કરશે…

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ED એ ચાર્જશીટમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ ચીફ સામ પિત્રોડાના નામનો સમાવેશ કર્યો છે. ED ની કાર્યવાહીને લઈને કોંગ્રેસ આકરા પાણીએ છે અને આવતીકાલે સમગ્ર દેશમાં EDની કચેરીની બહાર વિરોધની જાહેરાત કરી છે.

વિપક્ષ સામે બદલાની કોઈ સીમા નથી
પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની સરકારના વિપક્ષ સામે બદલાની કોઈ સીમા નથી. વિપક્ષનો અવાજ દબાવવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ રાજકીય રીતે પ્રેરિત અને બનાવટી નેશનલ હેરાલ્ડ કેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની હતાશા દર્શાવે છે, જેઓ લોકોની ચિંતાઓને દૂર કરવામાં નિષ્ફળ ગયા છે અને સતત ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ED કચેરીની બહાર કોંગ્રેસ કરશે વિરોધ
કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું, “એવું લાગે છે કે તેઓ ભૂલી ગયા છે કે આ એક એવો પરિવાર છે જેણે દેશ માટે પોતાનું લોહી વહાવ્યુ છે. તેમની નાની ચાલો અને એજન્સીઓનો ઉપયોગ અમને નિરાશ નહીં કરે, તેના બદલે તે વિનાશક શાસન સામેના અમારા સંકલ્પને મજબૂત બનાવશે.” તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ આવતીકાલે દેશભરમાં ED ઓફિસોની બહાર વિરોધ પ્રદર્શન કરશે અને બદલો લેવાની અને ધાકધમકીની આવી રાજનીતિ સામે મજબૂત વિરોધ નોંધાવશે.

EDએ દાખલ કરી ચાર્જશીટ
ઉલ્લેખનીય છે કે EDએ કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગ કેસમા ચાર્જશીટ દાખલ કરી છે. સોનિયા અને રાહુલ ગાંધી સિવાય ચાર્જશીટમા સામ પિત્રોડા, સુમન દુબેના નામનો પણ સમાવેશ છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગને 9 એપ્રિલે દાખલ કરાયેલ ચાર્જશીટની તપાસ કરી અને કેસમાં આગળની કાર્યવાહી અથવા સુનાવણી માટે 25 એપ્રિલની તારીખ નક્કી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે.

શું છે આ સમગ્ર વિવાદ?
નેશનલ હેરાલ્ડ કેસની શરૂઆત વર્ષ 2012 માં થઈ હતી કે જ્યારે ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીની એક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની મિલકતો છેતરપિંડી અને અપ્રમાણિકતાથી હસ્તગત કરી હતી. AJL એ નેશનલ હેરાલ્ડ અખબારની પ્રકાશન કંપની છે, જેની સ્થાપના 1938 માં જવાહરલાલ નેહરુ અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા કરવામાં આવી હતી. હવે EDએ આ કેસમા ચાર્જશીટ દાખલ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button