રેલવે નોકરી કૌભાંડ લાલુપ્રસાદના પરિવાર સામે ઇડીની ચાર્જશીટ
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ જમીન સામે રેલવેમાં નોકરી આપવાના કૌભાંડને લગતી કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિના સંબંધમાં મંગળવારે બિહારનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રબડીદેવી અને તેમના સાંસદ દીકરી મિસા ભારતી તેમ જ અન્યની સામે પ્રથમ તહોમતનામું નોંધાવ્યું હતું.
રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના વડા લાલુપ્રસાદ યાદવના અન્ય દીકરી હેમા યાદવ (૪૦), યાદવ પરિવારના કહેવાતા નજીકના સાથી અમિત કટિયાલ (૪૯), રેલવેના ભૂતપૂર્વ કર્મચારી હૃદયાનંદ ચૌધરી, બે કંપની – એ. કે. ઇન્ફોસિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એ. બી. એક્સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, તેઓના એક ડિરેક્ટર શરિકી બારીના નામનો આ ચાર્જશીટમાં સમાવેશ થાય છે.
કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિને લગતા કેસ હાથ ધરતી દિલ્હીમાંની અદાલતમાં આ સાત આરોપી સામે તહોમતનામું નોંધાવાયું હતું અને કેસની સુનાવણી ૧૬ જાન્યુઆરીએ રખાઇ છે.
અગાઉ, ઇડી દ્વારા ગયા વર્ષના નવેમ્બરમાં કટિયાલની આ કેસમાં ધરપકડ કરાઇ હતી. લાલુપ્રસાદ યાદવ અને તેમના દીકરા તેમ જ બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવને અદાલતે સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ અદાલત સમક્ષ હજી સુધી હાજર નથી થયા.
રબડીદેવી (૬૮), રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના રાજ્યસભામાંનાં સાંસદ મિસા ભારતી (૪૭), અને લાલુપ્રસાદ તેમ જ રબડીદેવીની અન્ય બે દીકરી – ચંદા યાદવ અને રાગિણી યાદવની ઇડી દ્વારા આ કેસના સંબંધમાં પૂછપરછ કરાઇ હતી.
લાલુપ્રસાદ યાદવ પહેલી યુપીએ સરકાર વખતે રેલવે પ્રધાન હતા ત્યારે આ કૌભાંડ કરાયું હોવાનું કહેવાય છે.
રેલવેમાં ૨૦૦૪ થી ૨૦૦૯ સુધીમાં ગ્રૂપ ‘ડી’માં ભરતી માટે અનેક લોકોએ પોતાની જમીન લાલપ્રસાદના પરિવારના સભ્યો અને એ. કે. ઇન્ફોસિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડને તબદીલ કરી હોવાનો આરોપ છે. (એજન્સી)