ટોપ ન્યૂઝનેશનલ

West Bengal Ration scam: 19 દિવસ બાદ શાહજહાં શેખના ઘરે ફરી EDના દરોડા, અર્ધલશ્કરી દળોની સુરક્ષા વચ્ચે તપાસ શરુ

કોલકાતા: પશ્ચિમ બંગાળના કથિત રાશન વિતરણ કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ મોટી કાર્યવાહી કરી છે. આજે બુધવારે સવારે EDની ટીમ ઉત્તર 24 પરગણામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) જિલ્લા પરિષદના સભ્ય શાહજહાં શેખના ઘરે દરોડા પાડ્યા છે. આ વખતે EDના અધિકારીઓ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને સાથે લઈને દરોડા પાડવા પહોંચ્યા છે. થોડા દિવસો પહેલા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા જતા EDના અધિકારીઓ પર હુમલો થયો હતો. આ હુમલામાં ED ટીમના અધિકારીઓ ઘાયલ થયા હતા.

કથિત રાશન વિતરણ કૌભાંડ 9 થી 11 હજાર કરોડ રૂપિયાનું હોવાનો અંદાજ છે. આજે પાડવામાં આવેલા દરોડામાં કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. શાહજહાં શેખ હાલ ફરાર છે. શેખ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. શંકા છે કે તે બાંગ્લાદેશ ભાગી જવાનો પ્રયાસમાં છે.


શાહજહાં શેખનું ઘર સંદેશખાલી ગામમાં છે. EDની ટીમ અગાઉ તપાસ કરવા સંદેશખાલી અહીં આવી હતી ત્યારે અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં EDના ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા. EDની ટીમના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલાને 19 દિવસ વીતી ગયા છે અને ફરી એકવાર EDની ટીમ અહીં દરોડા પાડવા પહોંચી છે.


આ વખતે EDની ટીમે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સાથે દરોડા પાડ્યા છે. કેન્દ્રીય દળની સાથે સ્થાનિક પોલીસ પણ હાજર છે, જે ટીમની સુરક્ષા કરી રહી છે. EDની ટીમ એક ચાવી બનાવવા વાળાને પણ સાથે લાવી છે. EDની ટીમ ઘરમાં પ્રવેશી અને ત્યાં રાખેલી વસ્તુઓની શોધખોળ શરૂ કરી છે. આ વખતે સમગ્ર દરોડાની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button