Economic Survey 2025: જાણો.. વર્ષ 2030 સુધી ભારત કેવી રીતે બનશે દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા આર્થિક સર્વેક્ષણમાં(Economic Survey 2025)અનેક વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં ભારતના આર્થિક વિકાસને વધુ વેગ આપતી વિગતો પણ જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું દેશના આર્થિક વિકાસના પ્રેરક બળ એવુ યુવાધન દેશને 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં મદદગાર થશે. આ યુવાધન જ ભારતને વર્ષ 2030 સુધીમાં અમેરિકા અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે.
ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તેવો આશાવાદ
જેમાં મળતી માહિતી મુજબ દેશની વસ્તીના કુલ 26 ટકા લોકો 10 થી 14 વર્ષની વયજુથના છે. જે દેશ માટે એક વિશાળ વર્કફોર્સ બનશે. તેમજ આર્થિક સર્વેક્ષણ 2024-25 રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વર્ષ 2014 માં ભારત વિશ્વની દસમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. એક દાયકાથી પણ ઓછા સમયમાં તે બ્રિટનને પાછળ છોડીને ચોથા સ્થાને પહોંચી છે. જે હવે 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તેવો આશાવાદ છે.
ભારતમાં યુવાધનમાં વધારો
આર્થિક સર્વેક્ષણ મુજબ, ભારત વિશ્વના સૌથી યુવા વસ્તી ધરાવતા દેશોમાંનો એક છે. અહીં સરેરાશ ઉંમર 28 વર્ષ છે. તેનાથી વિપરીત ઘણા વિકસિત દેશો વૃદ્ધ વસ્તી અને ઘટતા કાર્યબળ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે ભારતમાં યુવાધનમાં વધારો થઇ રહ્યો છે. જે દેશના અર્થતંત્રને મજબૂત બનાવશે.
આ પણ વાંચો : Budget 2025 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આઠમી વખત બજેટ રજૂ કરી રચશે ઇતિહાસ, જાણો જૂના રેકોર્ડ…
આર્થિક વૃદ્ધિ માટે રોજગારની તકોમાં વધારો કરવો અનિવાર્ય
જ્યારે બીજી તરફ આર્થિક સર્વેક્ષણમા ચોંકાવનારા આંકડા એ છે કે દેશમાં કામ કરતા લોકો પર નિર્ભર લોકોની સંખ્યા ઘટી રહી છે. આનો અર્થ એ થયો કે વધુને વધુ લોકો બીજા પર આધાર રાખવાને બદલે પોતાનું ગુજરાન ચલાવવા માંગે છે. જો આ બધા લોકોને રોજગારની તકો મળે, તો તેઓ સાથે મળીને અર્થતંત્રને વેગ આપશે. આનાથી ઉત્પાદકતા વધશે અને આવકનું સ્તર પણ સુધરશે. જોકે, આર્થિક સર્વેક્ષણ એ પણ ચેતવણી આપે છે કે આર્થિક વૃદ્ધિ માટે રોજગારની તકોમાં વધારો કરવો અનિવાર્ય છે.