લોકસભા ચૂંટણી પહેલા જ EC અરૂણ ગોયલે હોદ્દો છોડ્યો, રાજીનામાના કારણો અંગે અનેક તર્કવિતર્ક

લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થવાની બાકી છે પણ તે પહેલા જ ચૂંટણી પંચના ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અરૂણ ગોયલે તેમનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને મોકલી આપ્યું છે જેને રાષ્ટ્રપતિએ સ્વિકારી લીધું છે. ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના રાજીનામાના કારણોને લઈ અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
ઉલ્લેખનિય છે કે લોકસભા ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે અને તમામ રાજકીય પક્ષો પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. તો બીજી તરફ ચૂંટણી પંચ ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ અરૂણ ગોયલે અચાનક જ પોતાનું રાજીનામું આપી દેતા ચૂંટણીની પ્રક્રિયા પર અસર થશે તેવું માનવામાં આવી રહ્યું છે. અગાઉથી જ ચૂંટણી કમિશનરનું એક પદ ખાલી છે ત્યારે અરૂણ ગોયલે પણ રાજીનામું આપી દેતા હવે બંને પદ ખાલી થયા છે. આથી ચૂંટણી યોજવાની તમામ જવાબદારી હવે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભા પર આવી ગઈ છે, જે તેમના માટે પણ ઘણું પડકારજનક બની રહેશે.
તેમની નિમણૂકનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો હતો
NGO એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ અરુણ ગોયલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી પહેલા જ બે ન્યાયાધીશો જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરથનાએ સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા.
ADRએ અરજીમાં કહ્યું હતું કે ગોયલની નિમણૂક કાયદા મુજબ યોગ્ય નથી. આ ઉપરાંત આ ચૂંટણી પંચની સંસ્થાકીય સ્વાયત્તતાનું પણ ઉલ્લંઘન છે. ADRએ સરકાર અને ચૂંટણી પંચ પર પોતાના ફાયદા માટે અરુણ ગોયલની નિમણૂક કરવાનો આરોપ લગાવ્યો હતો અને સુપ્રીમમાં ગોયલની નિમણૂક રદ કરવાની પણ માંગ કરી હતી.