
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિન્દુ નેપાળનું તિબ્બત હોવાનું જાણવા મળ્યું છે. ખૂબ જ તીવ્રતાવાળો ભૂકંપ હોવાની માહિતી મળી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર 7.1 રીક્ટર સ્કેલનો ભૂકંપ નેપાળ ઉપરાંત ભારતમાં દિલ્હી,બિહાર,સિ્ક્કિમ, આસામ, ઉત્તર બંગાળ અને ઉત્તર પ્રદેશના અમુક ભાગમાં અનુભવાયો હતો. આ ભૂકંપ સવારે 6 વાગ્યે ને 35 મિનિટે પાંચ સેકન્ડ માટે અનુભવાયો હોવાનું જાણવા મળ્યું છે.
નેપાળના તિબ્બતના શિઝૈંગ વિસ્તારમાં કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. જે નેપાળના લોબુચે વિસ્તારથી 93 કિલોમીટર દૂર છે અને અહીં તેની તીવ્રતા 7.1 માનવામાં આવે છે.
મહારષ્ટ્રના પાલઘરમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો ગુજરાતના કચ્છમાં સતત આંચકા અનુભવાતા રહે છે. ડિસેમ્બર મહિનામાં જ 10 કરતા વધારે વાર આંચકા અનુભવાયા હોવાનું સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટે નોંધ્યું છે. બિહારના મોતીહારી અને સમસ્તીપુર જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયાના અહેવાલો છે. લગભગ પાંચ સેકન્ડ માટે ધરતી ધ્રુજી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતાવાળો ભૂકંપ ઘણો ભયાનક માનવામાં આવે છે અને ઈમારતો પણ હલી જાય તેવી કંપન ધરતીમાં જોવા મળે છે. નેપાળમાં અનુભવાયેલા કંપનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પંખો અને ઝુમ્મર હલતા દેખાય છે. આ પ્રાથમિક માહિતી છે, વિશેષ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.