નેશનલ

અફઘાનિસ્તાનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ : ૧૪નાં મોત

કાબુલ: અફઘાનિસ્તાનના હેરાતમાં શનિવારે મોટા ભૂકંપ પછી ૫.૫, ૪.૭, ૬.૩, ૫.૯ અને ૪.૬ની તીવ્રતાના પાંચ આફ્ટરશોક્સ આવ્યા હતા. ભયંકર ભૂકંપના ઝાટકાઓથી હેરાતની ધરા ધ્રૂજી ઊઠી હતી. ભૂકંપનું કેન્દ્રિંબદુ અફઘાનિસ્તાનના પશ્ર્ચિમ ભાગમાં સ્થિત હતું. આ કુદરતી આપદામાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં અને ૭૮ ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર પશ્ર્ચિમ અફઘાનિસ્તાનમાં ૬.૩ની તીવ્રતાના ભૂકંપમાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં અને ૭૮ ઘાયલ થયા હતા. ભૂસ્ખલન અને ઇમારતો ધરાશાયી થવાના અહેવાલો વચ્ચે મૃત્યુઆંક વધવાની પ્રબળ સંભાવના છે. તેઓએ ઉમેર્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર પ્રદેશના સૌથી મોટા શહેર હેરાતથી ૪૦ કિમી(૨૫ માઇલ) દૂર ઉત્તર-પશ્ર્ચિમમાં સ્થિત હતું. મોટા ભૂકંપ પછી ૫.૫, ૪.૭, ૬.૩, ૫.૯ અને ૪.૬ની તીવ્રતાવાળા પાંચ આફ્ટરશોક આવ્યા હતા.

ભૂકંપના ઝટકા એટલા તીવ્ર હતા કે લોકો ઘર અને ઓફિસોની બહાર નીકળી રસ્તા પર આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં, શહેરમાં રહેવાસીઓ અને દુકાનદારોના ટોળા ઇમારતો છોડીને ભાગતા જોવા મળ્યા હતા. હેરાતના રહેવાસી ૪૫ વર્ષીય બશીર અહમદે જણાવ્યું હતું કે, અમે અમારી ઓફિસમાં હતા અને અચાનક બિલ્ડિંગ ધ્રૂજવા લાગી. દીવાલનું પ્લાસ્ટર નીચે પડવા લાગ્યું અને દીવાલોમાં તિરાડો પડી ગઇ, કેટલીક દીવાલો અને બિલ્િંડગના ભાગો તૂટી પડ્યા હતા. નેટવર્ક કનેક્શન્સ ડિસ્કનેક્ટ થઇ ગયા હોવાથી હું મારા પરિવારનો સંપર્ક કરી શકતો નથી, તેમ તેણે જણાવ્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પ્રવક્તાના જણાવ્યા અનુસાર ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં પણ ભૂસ્ખલન થયું છે. હાલમાં અમારી પાસે તેની વિગતવાર માહિતી નથી. યુએસજીએસના પ્રારંભિક અહેવાલમાં પણ સેંકડો જાનહાનિની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, હેરાત અફઘાનિસ્તાનની સાંસ્કૃતિક રાજધાની ગણાય છે. આ શહેરની અંદાજિત વસ્તી ૧.૯ મિલિયન છે. ગયા વર્ષે જૂનમાં આવેલા ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ૧૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને હજારો લોકો બેઘર થયા હતા. તેમજ આ વર્ષે માર્ચમાં અફઘાનિસ્તાનના પૂર્વોત્તર જુર્મમાં આવેલા ભૂકંપમાં ૧૩ લોકોનાં મોત થયાં હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button