નેશનલ

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ૨,૦૦૦થી વધુનાં મોત

કુદરતનો કહેર: અફઘાનિસ્તાનમાં શનિવારે આવેલા ૬.૩ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ૨,૦૦૦ કરતા પણ વધુ લોકોનો ભોગ લીધો હતો. ભૂકંપને કારણે છ ગામ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. અનેક ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા અને સેંકડો લોકો કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. ગભરાયેલા લોકો ઘરમાંથી દોડીને રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપ બાદ આવેલા આફ્ટરશૉકે પણ અનેક લોકોનો ભોગ લીધો હતો. તસવીરમાં ઘરો કાટમાળમાં ફેરવાયેલા અને કુદરતી આફતનો ભોગ બનેલા લોકો જોવા મળી રહ્યા છે. (એજન્સી)

અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનમાં આવેલા ૬.૩ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને કારણે ૨,૦૦૦ કરતાં વધુ લોકોનાં મોત થયાં હોવા ઉપરાંત ૯,૦૦૦થી વધુ ઘાયલ થયાં હોવાનું વહીવટીતંત્રએ રવિવારે જણાવ્યું હતું.

ભૂકંપથી પ્રભાવિત અફઘાનિસ્તાનના પર્વતીય વિસ્તારમાં આ ધરતીકંપ આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

ભૂકંપનું કેન્દ્રબિન્દુ હેરાત શહેરની વાયવ્ય દિશામાં ૪૦ કિ.મી.ને અંતરે આવેલું હતું.

૬.૩ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ અનુક્રમે ૬.૩, ૫.૫ અને ૫.૩ની તીવ્રતાના આફ્ટરશૉક અનુભવાયા હતા.

શહેરમાં બપોર સુધીમાં ઓછામાં ઓછા પાંચ શક્તિશાળી ભૂકંપ આવ્યા હોવાનું રહેવાસીઓએ કહ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂકંપને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક શનિવારે રાત્રેના ૫૦૦થી વધીને રવિવારે ૨૦૦૦ના આંકને પાર કરી ગયો હતો.

ડિઝાસ્ટાર ખાતાના પ્રવક્તા મૂલ્લા જનાન સાયેકેએ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ભૂકંપમાં ૨૦૫૩ લોકોનાં મોત નીપજ્યાં હોવા ઉપરાંત ૯,૨૪૦ લોકો ઘાયલ થયાં હતાં અને ૧,૩૨૯ ઘરો નાશ પામ્યા હતા કે પછી તેને નુકસાન પહોંચ્યું હતું.

મૃત્યુ પામેલાંઓમાંથી ૨૦૦ કરતાં પણ વધુ લોકોને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હોવાનું હેરાતના આરોગ્ય ખાતા અધિકારી ડૉ. દાનિશે જણાવ્યું હતું.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ભૂકંપને કારણે હેરાતમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો ઘરમાંથી બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપ બાદ અનેક આફટરશૉક પણ અનુભવાયા હતા.

પશ્ર્ચિમ અફઘાનિસ્તાનમાં શનિવારે આવેલા ૬.૩ની તીવ્રતાના ભૂકંપ બાદ આફ્ટરશૉકને કારણે ડઝનબંધ લોકોનાં મોત થયાં હતાં. માહિતી અને સાંસ્કૃતિક બાબતોના ખાતાના પ્રવક્તા અબ્દુલ વાહિદ રયાનને કહ્યું હતું કે ભૂકંપને કારણે છ ગામ નાશ પામ્યાં હતાં અને સેંકડો લોકો કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. અસરગ્રસ્તોને તાકીદે મદદ પહોંચાડવાની પણ તેમણે હાકલ કરી હતી.

ડિઝાસ્ટર ઑથોરિટીના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ્લાએ કહ્યું હતું કે ભૂકંપ અને આફટરશૉકને કારણે હેરાત પ્રાન્તના ઝેન્ડા જન જિલ્લામાં ચાર ગામ નાશ પામ્યા હતા.

ભૂકંપને કારણે ટેલિફોન સેવા ખોરવાઈ જતાં અસરગ્રસ્ત વિસ્તારની માહિતી અને પરિસ્થિતિની જાણકારી મેળવવાનું મુશ્કેલ બન્યું હતું.

હેરાત શહેરમાં હજારો લોકો ઘરમાંથી બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હોવાનું સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાતું હતું.
હેરાત પ્રાન્ત ઈરાનના સરહદી વિસ્તારમાં આવેલો છે. સ્થાનિક પ્રસારમાધ્યમના અહેવાલમાં જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના ફરાહ અને બડઘિસ પ્રાન્તમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.

જૂન ૨૦૨૨માં પૂર્વ અફઘાનિસ્તાનના પર્વતીય વિસ્તારમાં આવેલાં ભૂકંપમાં ૧,૦૦૦ કરતાં પણ વધુ લોકોનાં મોત થયાં હોવા ઉપરાંત ૧,૫૦૦ કરતાં વધુ લોકો ઘાયલ થયાં હતાં. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker