કચ્છમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૪૦૦થી વધુ આવાસોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ૧૦મી ફેબ્રુઆરીના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી ગુજરાતના ૩૩ જિલ્લાના અંદાજે ૧.૩૧ લાખથી વધારે આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાવાનો છે.
આ કાર્યક્રમના સમાંતરે ભાતીગળ પ્રદેશ કચ્છમાં ૬ સ્થળે આવાસ યોજનાના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. અંદાજે ૧૪૦૦થી વધારે આવાસનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂતર્ર્ કચ્છ જિલ્લામાં પદાધિકારીઓના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં થશે. કચ્છમાં ૧૪૦૧ આવાસનું ઈ-લોકાર્પણ અને ૪૪ જેટલા આવાસનું ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવશે, જેમાં ભુજ અને ગાંધીધામમાં શહેરીકક્ષાએ કાર્યક્રમ યોજાશે. જ્યારે અંજાર, અબડાસા, માંડવી અને રાપર ખાતે ગ્રામ્યકક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ છ જગ્યાએ ડીસાથી આયોજિત થનારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકાશે. ભુજનો કાર્યક્રમ ભગવતી હોટેલ ગ્રાઉન્ડ ભુજ ખાતે, અબડાસાનો કાર્યક્રમ રામેશ્ર્વર ગ્રાઉન્ડ નખત્રાણા ખાતે, માંડવીનો કાર્યક્રમ પાટીદાર સમાજવાડી બિદડા ખાતે, અંજારનો કાર્યક્રમ મારુતિ ગ્રાઉન્ડ ખાતે, ગાંધીધામનો કાર્યક્રમ ડૉ. આંબેડકર ભવન ખાતે અને રાપરનો કાર્યક્રમ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે યોજાશે.
આવાસ યોજનાના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂતર્ર્ કાર્યક્રમ તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ સ્થળે લાભાર્થીઓની ઉપસ્થિતિ, લાભાર્થીઓના પ્રતિભાવો, કનેક્ટિવિટી, બેઠક વ્યવસ્થા, ભોજન, ટ્રાન્સપોર્ટેશન સહિતની બાબતો વિશે યોગ્ય કામગીરી કરવા માટે જિલ્લા સમાહર્તાએ અધિકારીઓને સૂચન કર્યું હતું.