નવરાત્રીના ત્રણ દિવસમાં ૧.૨૭ લાખ શ્રદ્ધાળુએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં
કટરા/જમ્મુ: નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં ૧.૨૭ લાખથી વધુ લોકોએ વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં હતાં.
અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે રવિવારે નવરાત્રીના પ્રથમ દિવસે લગભગ ૪૫,૦૦૦ શ્રદ્ધાળુએ, બીજા દિવસે ૪૧,૧૬૪ શ્રદ્ધાળુએ અને ત્રીજા દિવસે ૪૧,૫૨૩ શ્રદ્ધાળુએ મંદિરની મુલાકાત લીધી હતી.
નવરાત્રી ઉત્સવ દરમિયાન દેશભરમાંથી આવતાં તીર્થયાત્રીઓને આવકારવા માટે મંદિરને શણગારવામાં આવ્યું છે.
નવરાત્રી ૧૫ ઑક્ટોબરથી શરૂ થઈ હતી અને ૨૩ ઑક્ટોબરના રોજ સમાપ્ત થશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તીર્થયાત્રા સુચારુ રીતે ચાલી રહી છે અને તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, હાલના ટ્રેકથી વીસ ફૂટની ઉંચાઈ પર ખૂબ જ
જરૂરી સ્કાયવોક જેવી નવી સુવિધાઓ ભક્તો માટે મોટી રાહત બની છે.
આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૭૮ લાખ શ્રદ્ધાળુએ મંદિરમાં દર્શન કર્યાં છે. સૌથી વધુ ૧૧.૯૫ લાખથી વધુ યાત્રાળુ જૂનમાં નોંધાયા હતા, જ્યારે સૌથી ઓછા ૪.૧૪ લાખ યાત્રાળુ ફેબ્રુઆરીમાં જોવા મળ્યા હતા.