અઠવાડિયા બાદ જ સ્ટેશન પર કરોડોના ખર્ચે ઊભા કરાયેલા સેલ્ફી પોઈન્ટ આ કારણે હટાવાશે
મુંબઈઃ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાહેરાત કરવા માટે રેલવે દ્વારા દેશભરમાં વિવિધ સ્ટેશન પર આઠ-દસ દિવસ પહેલાં જ કરોડો રૂપિયા ખર્ચીને સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને હવે રેલવે બોર્ડને આ પસંદ આવ્યું હોય એવું લાગતું નથી.
કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ઊભા કરવામાં આવેલા આ સેલ્ફી પોઈન્ટની જગ્યાએ ફરી એક વખત નવા સેલ્ફી પોઈન્ટ ઊભા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એક સેલ્ફી પોઈન્ટ માટે આશરે સવા છ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, અને એ પ્રમાણે કુલ 21 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
રેલવે બોર્ડે કેન્દ્ર સરકારની સ્કીલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા એવી વિવિધ યોજનાની જાહેરાત કરવા માટે રેલવેના પ્રત્યેક ઝોનમાં 20 સેલ્ફી પોઈન્ટ ઊભા કરવાનો નિર્દેશ આપ્યો હતો. એક સેલ્ફી પોઈન્ટ માટે આશરે સવાછ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે અનુસાર દરેક ઝોનના અધિકારીઓએ મહત્ત્વના સ્ટેશન પર સેલ્ફી પોઈન્ટ ઊભા કર્યા હતા.
દરેક ઝોનમાં 20 સેલ્ફી પોઈન્ટ અને 17 ઝોન એમ ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પણ આ સેલ્ફી પોઈન્ટ રેલવે બોર્ડને ગમ્યા નથી, એટલે નવેસરથી સેલ્ફી પોઈન્ટ ઊભા કરવાનો નિર્દેશ બોર્ડે પાછો આપ્યો છે.