નેશનલ

મણિપુરમાં ફરી આ કારણસર તંગ પરિસ્થિતિ

ઈમ્ફાલઃ મણિપુરમાં હિંસા અટકવાનું હજુ પણ બંધ થયું નથી. પાંચ યુવકની ધરપકડને લઈ આજે હિંસક પ્રદર્શન કર્યું હતું. આ યુવાનોની બિનશરતી છોડી મૂકવાની માગણી કરતા ટોળાએ ઇમ્ફાલ પૂર્વના પોરોમપટ પોલીસ સ્ટેશન અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સિંગજામેઇ પોલીસ સ્ટેશન અને ક્વાકિથેલ પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરક્ષા દળોએ તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 16 સપ્ટેમ્બરે પાંચ છોકરાની ધરપકડ બાદ ફરી ઇમ્ફાલમાં તંગ પરિસ્થિતિ બની છે.

ભીડ પર કાબૂ મેળવવા માટે સુરક્ષા દળના જવાનો દ્વારા ટીયર ગેસના શેલ છોડ્વામાં આવ્યા હતા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસ સાથે અથડામણની ઘટનાઓ પછી રાજ્ય સરકારે ઇમ્ફાલના બંને જિલ્લામાં કર્ફ્યુમાં છૂટછાટ રદ કરી હતી, એમ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું.

ઇમ્ફાલ પશ્ચિમના જિલ્લા મેજિસ્ટ્રેટે પણ આ અંગે સત્તાવાર આદેશ જારી કરી જણાવ્યું છે કે 21 સપ્ટેમ્બરના રોજ સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કર્ફ્યૂમાં રાહત આપી હતી, જે સાંજે 5 વાગ્યાથી પાછી ખેંચી લેવામાં આવ્યો હતો. આ સંજોગોમાં પહેલાથી જારી કરાયેલા તમામ નિયંત્રણો અમલમાં રહેશે, જ્યારે આ ઓર્ડર પૂર્વ ઇમ્ફાલમાં પણ આપવામાં આવ્યો છે.

16 સપ્ટેમ્બરે મણિપુર પોલીસે અત્યાધુનિક હથિયાર રાખવા અને બનાવટી યુનિફોર્મ પહેરવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી હતી. પાંચેયને ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ત્રીજી મેથી હિંસા થઈ રહી છે, જ્યાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મોત થયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button