ગ્લોબલ વોર્મિંગનાં લીધે મીઠી કેરીની સીઝન રહેશે “મોળી”!
જુનાગઢ : આ વર્ષે ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્રની ઓળખ સમાન મીઠી કેસર કેરીની સીઝન “મોળી” રહેવાના સંકેતો દેખાય રહ્યા છે. તેના પાછળ ગ્લોબલ વોર્મિંગ, વધુ પડતી ગરમી અને કમોસમી વરસાદ જેવા કારણો જવાબદાર છે. આ ઉપરાંત ગુજરાતના કચ્છમાં કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે કેસર કેરીનો પાક બરબાદ થયો હતો, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.
ગુજરાતના સોરઠ પ્રાંતની કેસર કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે પરંતુ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને આકરા તાપના લીધે કેરીઓ પાકે તે પહેલા જ ખરી પડી રહી છે. તેના કારણે કેસર કેરીનું ઉત્પાદન ઓછુ થવાની શક્યતા રહેલી છે. જુનાગઢ, તાલાલા, ઉના, કોડીનાર સહિતના તમામ વિસ્તારોમાં કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આંબાઓમાં આ સમયે નવા પાંદડાઓ આવતા વૃક્ષના પોષકતત્વો તેમાં જઈ રહ્યા છે આથી આંબામાંથી કેરીઓ સુકાઈને ખરી રહી છે. કેસર કેરીનું હબ ગણાતા સોરઠમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું રહેવાની શક્યતાઓ છે.
હાલ સોરઠ પ્રાંતમાં કેરીઓને બજાર સુધી પહોંચતા એકાદ મહિના જેટલો સમય લાગી શકે છે. આ વર્ષે કેરીના બગીચાઓમાં મોર (ફૂલ) આવતા ૪૦થી ૫૦ દિવસનો વિલંબ થયો હતો. જેના કારણે આ વર્ષે ઉત્પાદનમાં ૨૦થી ૩૦ ટકાનો ઘટાડો થવાની શક્યતા રહેલી છે. ફળ લાગવાની પ્રક્રિયાનાં સમયે જરૂરી તાપમાન નહિ મળવાને લીધે અને તે સમયે જ આકરા તાપ પડવાને લીધે કેરીઓ નાની હોવા છતાં સુકાઈને ખરી રહી છે.
પાછલા વર્ષે કેરીઓ 15 અપ્રિલ આસપાસ આવી હતી જ્યારે આ વર્ષે એકાદ મહિનો હજુ મોડું થાય તેવી શક્યાતાઓ રહેલી છે. અ વર્ષે કેરીઓના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી તેનો ભાવ પણ ઉંચે જવાની શક્યતાઓ રહેલી છે. તો આ વર્ષે તેના સમય કરતા મોડી પાક્વાને લીધે તેમાં મીઠાશ પણ ઓછી રહે તેવી શક્યતાઓ છે.
જુનાગઢનાં એક સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે “આ વર્ષે ઘણા ખરા આંબાઓમાં ફાલ જ નથી આવ્યો અર્થાત કે તેમાં ફળ જ નથી લાગી રહ્યા. તો જે આંબાઓમાં ફળ લાગ્યા છે તે પણ પાછળનાં વર્ષોની તુલનામાં બહુ જ ઓછા છે. આ રીતે થતા નુકસાનના લીધે ઘણાખરા વિસ્તારોમાં ખેડૂતો આંબાઓ કાઢીને અન્ય બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે.”
ગ્લોબલ વોર્મિંગની અસરના ભાગરૂપે દેશના ઘણા બાગોમાં કમોસમી વરસાદની અસરો સર્જાય હતી. ગુજરાતના કચ્છમાં પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે કેરીના પાકે ભારેમાત્રામાં નુકસાન થયું છે. આ વર્ષે ખેડૂતોને ૫૦થી ૬૦ ટકા જેટલી પેદાશની આશા હતી પરંતુ પરંતુ આ વર્ષે કમોસમી વરસાદના પગલે ૨૦ ટકા જેટલો પાક બરબાદ થઇ ચુક્યો છે, જેના લીધે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.