નશામાં ધૂત પોલીસકર્મીએ 3 બાળકોને કચડ્યા, 2ના મોત, લોકોએ પકડીને પોલીસને સોંપ્યો

ચંદીગઢ: હરિયાણામાં એક અત્યંત કરુણ ઘટના બની હતી, જેમાં એક નશામાં ધૂત પોલીસકર્મીની કારે શાળાએથી ઘરે પરત ફરી રહેલા ત્રણ માસૂમ બાળકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે બાળકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ત્રીજા બાળકની હાલત ગંભીર છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના હરિયાણાના પલવલ જિલ્લાના ઉટાવડ ગામમાં બની હતી. મૃતક બાળકોના પિતાએ જણાવ્યું હતું કે તેમના ત્રણ બાળકો – અયાન (5), અહસાન (7) અને અરજાન (9) – ઉટાવડની ગરીબા પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. શાળા છૂટ્યા બાદ જ્યારે ત્રણેય બાળકો ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એક બેફામ કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અયાન અને અહસાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે અરજાન ગંભીર રીતે ઘાયલ થયો હતી , જેને રોહતક રિફર કરવામાં આવ્યો છે.
આ અકસ્માત સર્જીને કાર ચાલક પોલીસકર્મી ઘટનાસ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આસપાસના લોકોએ તેને ઝડપી લીધો અને પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ આરોપીને પકડવા આવી, ત્યારે લોકોએ પોલીસની ગાડીનો પણ પીછો કર્યો, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે આરોપીનું મેડિકલ ટેસ્ટિંગ તેમની સામે જ કરવામાં આવે, જેથી તેનો બચાવ કરવામાં ન આવે.
આ ઘટના બાદ ઘટનાસ્થળે ભારે તણાવનો માહોલ છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આસપાસના પોલીસ સ્ટેશનોનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. બંને મૃતક બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નલ્હડ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાએ નશામાં વાહન ચલાવતા લોકોની બેદરકારી અને તેના ભયંકર પરિણામો સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આપણ વાંચો: ઉત્તરાખંડમાં કેદારનાથ રોપ-વે માટે અદાણી ગ્રુપને કોન્ટ્રાક્ટ મળ્યો, મુસાફરીનો સમય ઘટશે…