નેશનલ

વેરાવળ નજીક ઈઝરાયલી જહાજ પર ડ્રોન હુમલો

વેરાવળ/ઓખા: હિંદ મહાસાગરમાં ભારત આવી રહેલા ઈઝરાયેલી જહાજ પર ડ્રોન એટેકની એક ગંભીર ઘટના સામે આવી છે. ડ્રોન એટેક બાદ જહાજમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી. ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ, પરંતુ આ ઘટનાને કારણે ઓખા-વેરાવળમાં દરિયાઇ સુરક્ષા પર મોટું જોખમ ઊભું થવાના અણસાર લાગી રહ્યા છે.

આ હુમલો વેરાવળના દક્ષિણ-પશ્ર્ચિમ વિભાગમાંથી થયો હતો, આ વિસ્તારમાંથી પસાર થતા અન્ય જહાજોને સાવચેતી રાખવા તાકીદ કરાઇ છે.

આ જહાજ મૂળ ઇઝરાયેલનું હતું જે સાઉદી અરેબિયાથી મેંગલૂરુ જઇ રહ્યું હતું. તેમાં ૨૦ ભારતીય ક્રૂ મેમ્બર્સ હતા અને જહાજમાં ક્રૂડ ઓઇલ હતું. જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ લગાવેલો હતો. છેલ્લે સાઉદી અરેબિયા સાથે તેને સંપર્ક કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ વધુ તપાસ માટે આઈસીજીએસ વિક્રમને ત્યાં મોકલ્યું છે. હુમલા બાદ ક્રૂ મેમ્બર્સને તો કોઇ નુકસાન થયું નથી પરંતુ કેટલાક મીડિયા અહેવાલો અનુસાર આગ લાગી હતી, જે હવે કાબૂમાં લેવાઇ ગઇ છે.

બ્રિટિશ મિલિટરીના મેરીટાઇમ ઓપરેશન્સ અહેવાલ આપ્યો હતો કે જહાજ ભારતના વેરાવળથી ૨૦૦ નોટિકલ માઇલ દૂર હતું, તેમજ સોમનાથથી ૩૭૮ કિલોમીટર દૂર હતું. હાલ આ હુમલાની કોઇએ જવાબદારી લીધી નથી.
છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારમાં ચાંચિયાગીરીની અનેક ઘટનાઓ બની છે. આ વિસ્તારમાં કેટલીક પાકિસ્તાની બોટની શંકાસ્પદ ગતિવિધિઓ પણ જોવા મળી હતી, જેની સામે તટીય સુરક્ષા દળોએ યોગ્ય પગલા પણ લીધા હતા. આ પ્રકારની ઘટનાઓ ભારતીય તથા આંતરરાષ્ટ્રીય શિપિંગ વ્યવહારોને નુકસાન પહોંચાડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button