મધ્યપ્રદેશમાં સરકારી કોલેજોમાં Dress Code લાગુ કરવા કવાયત તેજ
ભોપાલ : મધ્યપ્રદેશ સરકાર ટૂંક સમયમાં રાજ્યની સરકારી કોલેજોમાં ડ્રેસ કોડ (Dress Code)લાગુ કરવા માટેનો નિયમ લાવી શકે છે. મળતી માહિતી મુજબ રાજ્યની મોહન યાદવ સરકારે ડ્રેસ કોડને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. માહિતી અનુસાર મધ્યપ્રદેશ સરકાર પીએમ શ્રી કોલેજોમાં પણ ડ્રેસ કોડ લાગુ કરી શકે છે.
શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું
મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઈન્દર પરમારે આ મામલે કહ્યું કે હિજાબ અમારી કોલેજની યુનિફોર્મ થીમને અનુરૂપ નથી. અમે સર્વસંમતિથી જ ડ્રેસ કોડ નક્કી કરીશું. ભોપાલની કોલેજોના વિદ્યાર્થીઓએ પણ કહ્યું કે ડ્રેસ કોડ હોવો જોઈએ.
વિરોધ પણ શરૂ થયો
ડ્રેસ કોડનો મુદ્દો સામે આવતાની સાથે જ આ મુદ્દે વિરોધ શરૂ થઈ ગયો છે. ભોપાલ પ્રદેશના કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય આરિફ મસૂદે ડ્રેસ કોડનો વિરોધ કર્યો અને કહ્યું કે આ ડ્રેસ કોડ દ્વારા હિજાબ અને બુરખાની મજાક ઉડાવવા માંગે છે.
ડ્રેસ કોડ વૈકલ્પિક રાખવો જોઈએ : કોંગ્રેસ ધારાસભ્ય
કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદે કહ્યું કે કર્ણાટકમાં પણ બિનજરૂરી રીતે હિજાબને લઈને વિવાદ સર્જાયો હતો. બંધારણની કલમ 29 અને કલમ 30 મુજબ તમામને ધાર્મિક સ્વતંત્રતા છે. મસૂદે કહ્યું કે આને મધ્યપ્રદેશમાં સ્વીકારવામાં આવશે નહીં. જો ગર્લ્સ કોલેજ હોય તો વિદ્યાર્થીઓ બુરખા વગર જઈ શકે છે. પરંતુ જો ગર્લ્સ કોલેજ ન હોય તો ત્યાં બુરખો પહેરવો જોઈએ.