મનમોહન સિંહની સ્વચ્છ છબી પર રહી ગયો આ એક ડાઘ, સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા પણ…
નવી દિલ્હી: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધન (Dr. Manmohan Singh) અંગે દેશભરમાં શોકનો માહોલ છે, દેશ માટે તેમણે આપેલા યોગદાનને લોકો યાદ કરી રહ્યા છે. દયાકાઓ લાંબી તેમની કારકિર્દી દરમિયાન મનમોહન સિંહની છબી એક સ્વચ્છ નેતા તરીકેની રહી, પરંતુ એક ડાઘ રહી ગયો. કથિત કોલ બ્લોક એલોકેશન સ્કેમ કેસ (Indian coal allocation scam) માં દિલ્હીની કોર્ટ તરફથી તેમને રાહત ના મળી. મનમોહન સિંહ સામે કૌભાંડમાં સંડોવણીના આરોપ લાગ્યા બાદ, તેમણે આ ડાઘ ભૂંસી નાખવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ અધૂરો રહ્યો. તેમને કોર્ટમાંથી રાહત મળી નહીં.
મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકાર દરમિયાન કોલસાના બ્લોકની અનિયમિત ફાળવણીને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી, આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આ કેસોમાં ટ્રાયલ આગળ વધારવાનો નિર્દેશ આપ્યો હતો.
શું હતો કેસ:
માર્ચ 2015માં, દિલ્હીની એક કોર્ટે મનમોહન સિંહને હિન્દાલ્કોને તાલાબીરા-2 કોલસા બ્લોકની કથિત અનિયમિત ફાળવણીમાં આરોપી તરીકે સમન્સ પાઠવ્યા હતા. મનમોહન સિંહે સમન્સ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ વી ગોપાલા ગૌડાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે 1 એપ્રિલ 2015ના રોજ સમન્સના આદેશ પર સ્ટે મૂક્યો હતો અને તેમની અરજીને સુનાવણી માટે સ્વીકારી હતી.
Also read :“મનમોહન સિંહ અમર રહે” પૂર્વ PM ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શરૂ
CBIએ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, છતાં કોર્ટે કહ્યું કે CBIમાટે આ કેસ બંધ કરવો અયોગ્ય છે કારણ કે તે સમયે મનમોહન સિંહ કોલસા મંત્રાલયના પ્રભારી હતાં અને આ કેસમાં પુરાવાઓ પણ હાજર છે.
સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી:
સુપ્રીમ કોર્ટે મનમોહન સિંહ સામે સમન્સ પર રોક લગાવી દીધી હતી, પરંતુ જસ્ટિસ મદન લોકુરની આગેવાની હેઠળની બેન્ચે ભૂતપૂર્વ કોલસા રાજ્ય પ્રધાન સંતોષ બાગરોડિયા સામે સમન્સ જાહેર કરવા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તેમની અરજી પર મનમોહન સિંહની અરજી સાથે 2 સપ્ટેમ્બર 2015ના રોજ સુનાવણી કરવામાં આવશે.
મનમોહન સિંહની અરજી પર સુનાવણી ઝડપી બનાવવા, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે તત્કાલીન CJI એચ એલ દત્તુ પાસેથી સ્પષ્ટતા માંગી હતી કે કોલસા કૌભાંડ સંબંધિત કેસોની સાથે મનમોહન સિંહની અરજી અન્ય કેસો સાથે શા માટે રાખવામાં આવી છે. સિબ્બલે પીસી એક્ટની કલમ 13(1)(d)(iii)ની બંધારણીય માન્યતાને પડકારી હતી. CJI દત્તુ સિબ્બલ સાથે સહમત થયા અને મનમોહન સિંહની અરજીને બાગરોડિયાની અરજીથી અલગ કરવાનો આદેશ આપ્યો. CJI દત્તુની આગેવાની હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે મનમોહન સિંહની અરજી ત્યારે જ સૂચિબદ્ધ કરવામાં આવશે જ્યારે તેમના વકીલો દલીલો પૂર્ણ કર્યા પછી સુનાવણીની માંગ કરે. હવે આ અરજી અર્થહીન બની ગઈ છે, કારણ કે મનમોહન સિંહનું અવસાન થયું છે.