જાણો ડો. મનમોહન સિંહના સંતાનો વિશે? આ ક્ષેત્રમાં મેળવી છે સિદ્ધિ…
નવી દિલ્હી: ભારતનાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનો દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. તેમનાં લગ્ન વર્ષ 1958માં ગુરુશરણ કૌર સાથે થયા હતા. તેમની ત્રણ પુત્રીઓ છે અને ત્રણે દીકરીઓએ નોખા કેડા પર પગલા માંડ્યા છે અને પોતાના ક્ષેત્રમાં મોટું નામ બનાવ્યું છે. તો ચાલો જાણીએ કોણ છે તેમની દીકરીઓ અને તેઓ શું કરે છે?
આ પણ વાંચો : છેલ્લે લોકસભાની ચૂંટણી વખતે ડો. મનમોહન સિંહે શું કહ્યું હતું, જાણો?
ઉપિંદર સિંહ ફેકલ્ટી ડીન
મનમોહન સિંહની મોટી દીકરી ઉપિંદર અશોકા યુનિવર્સિટીમાં ફેકલ્ટી ડીન છે. તેણીએ લેખક વિજય તન્ખા સાથે લગ્ન કર્યા છે. ઉપિન્દરે અનેક પુસ્તકો પણ લખ્યા છે અને તેને 2009માં સામાજિક વિજ્ઞાનમાં ઈન્ફોસિસ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપિન્દરે પ્રાચીન ભારતીય ઇતિહાસ પર મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. ઉપિન્દરને કેમ્બ્રિજ અને હાર્વર્ડ જેવી સંસ્થાઓમાંથી ફેલોશિપ પણ મળી છે. જ્યારે સંજય બારુએ ‘એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પુસ્તક લખ્યું ત્યારે ઉપિન્દર સિંહે તેની આકરી ટીકા કરી હતી.
અમૃત સિંહ જાણીતા માનવાધિકાર વકીલ
મનમોહન સિંહની બીજી દીકરીનું નામ અમૃત સિંહ છે. તે એક જાણીતા માનવાધિકાર વકીલ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર છે. તેમણે વિશ્વભરમાં માનવાધિકારના અનેક મુદ્દાઓ પર કામ કર્યું છે. તેઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં અનુસ્નાતક થયા.
દમન સિંહ છે પ્રોફેશનલ લેખિકા
તેમની ત્રીજી દીકરીનું નામ દમન સિંહ છે, જેઓ એક પ્રોફેશનલ લેખિકા છે. ધ લાસ્ટ ફ્રન્ટીયર ઉપરાંત, તેમણે ‘સ્ટ્રિક્ટલી પર્સનલ: મનમોહન અને ગુરશરણ’ નામના તેમના માતા-પિતાનું જીવનચરિત્ર લખ્યું છે. આ પુસ્તકમાં પિતાનાં જીવનનાં અંગત પ્રસંગોની વાત છે, જે મનમોહન સિંહના ચરિત્રને ઊંડાણથી સમજાવી આપે છે. દમન સિંહના લગ્ન IPS ઓફિસર અશોક પટનાયક સાથે થયા છે. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ દિલ્હીમાંથી ગણિતનો અભ્યાસ કર્યો અને 1984માં સ્નાતક થયા.
આ પણ વાંચો : અંદાઝ-એ-બયાંઃ મનમોહન સિંહ અને સુષ્મા સ્વરાજ વચ્ચે થતી હતી શાયરાના જુગલબંધીઃ જૂઓ વીડિયો