દરદીઓના ખિસ્સા કાતરવાને બદલે માત્ર બે રૂપિયામાં ઈલાજ કરતા કેરળના ડોક્ટરનું નિધન

કન્નૂરઃ એક તરફ જ્યારે ખ્યાતિકાંડ જેવી ઘટનાઓ બને છે, કોપોર્રેટ હૉસ્પિટલો અને ક્લિનિકમાં ડોક્ટરોને રીતસરના ટાર્ગેટ આપી દરદીઓને લૂંટવાનો ધંધો ચાલે છે ત્યારે એવા ડોક્ટર પણ છે જેમણે ખરેખર પોતાના પ્રોફેશનને સેવાનું માધ્યમ માત્ર બનાવ્યું છે. આવા જ એક ડોક્ટર હવે આપણી વચ્ચે નથી રહ્યા. આ ડોક્ટરનું નામ એ.કે. રાયરુ ગોપાલ ને તેઓ કેરળના કન્નૂરમાં માત્ર બે રૂપિયામાં દરદીઓની સારવાર કરવા માટે જાણીતા હતા.
કઈ રીતે ચલાવ્યો સેવાનો યજ્ઞ
કહેવાય છે કે જ્યાં ચાહ હોય ત્યાં રાહ હોય છે. ડોક્ટરસાહેબની ઈચ્છા હતી કે તેઓ જરૂરિયાતમંદોની સેવા કરે તેથી તેમણે પોતાના ઘરને જ ક્લિનિક બનાવી દીધું હતું. અહીં તેઓ સવારે ચાર વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી સતત દરદીઓની સારવાર કરતા હતા. આ સેવાયજ્ઞ બે-ચાર વર્ષનો કે નિવૃત્તિકાળનો ન હતો, પરંતુ પાંચ દાયકા એટલે કે 50 વર્ષથી ડોક્ટર આ રીતે જ નજીવી ફીમાં લોકોને તબીબી સલાહ આપતા. જે દરદીઓને દવા પરવડે તેમ ન હોય તેમને મફતમાં દવા પણ આપતા.
તેમના ઘરનું નામ લક્ષ્મી હતું અને અહીં જ તેઓ ક્લિનક ચલાવતા. ધીમે ધીમે તેમનું સ્વાસ્થ્ય ઉંમરને લીધે કથળતા તેમણે સવારે છ વાગ્યાથી દરદીઓને જોવાનું શરૂ કર્યું હતું અને થોડા મહિનાઓથી તેઓ બીમાર રહેતા હોવાથી ક્લિનિક બંધ કરવાની ફરજ પડી હતી. આ ક્લિનિક બંધ થવાથી ઘણા દરદીઓ હેરાનપરેશાન હતા.
આ પણ વાંચો: લોર્ડ મેઘનાથ દેસાઈનું લંડનમાં 85 વર્ષની વયે નિધન, જાણો શું હતું ગુજરાત કનેકશન
જનતાના ડોક્ટરને મુખ્ય પ્રધાને આપી શ્રદ્ધાંજલિ
ડોક્ટરનું આજે બીમારીને કારણે 80 વર્ષની ઉંમરે નિધન થયું ત્યારે કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ડોક્ટર જનતાના ડોક્ટરના નામે જાણીતા હતા. ઘણા તેમને બે રૂપિયાવાળા ડોક્ટર પણ કહેતા. તેમના પરિવાર પત્ની અને બે સંતાન છે.
ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ કહેવાય છે. ભગવાન બાદ માણસને કઈ જીવન આપી શકે તો તે ડોક્ટર છે, પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી આ વ્યવસાયનું વ્યાપારિકરણ થઈ ગયું છે અને ગુણવત્તાવાળી તબીબી સેવા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે અઘરી થઈ ગઈ છે. દરેક પાસે ડૉ. એ.કે. રાયરુ ગોપાલ જેવા સમર્પણભાવની અપેક્ષા ન રાખી શકાય, પરંતુ દરદીઓને ખોટા ખર્ચની ખાઈમાં ન ધકેલતા સાચી સલાહ આપી તેમનો ઈલાજ પરવડે તેવા ભાવમાં કરવાની ભાવના પણ જો ડોક્ટરો બતાવે તો ઘણે અંશે રાહત થઈ જાય.