કેરળમાં દહેજને કારણે ડોક્ટર બનેલી દીકરીએ ગુમાવ્યો જીવ
તિરુવનંતપુરમ: દહેજ ના આપી શકવાના કારણે ઘણી દીકરીઓ જીવ ગુમાવતી હોય છે. પરંતુ મોટા ભાગે દહેજનું દૂષણ ઓછું ભણેલા અને એકદમ ગામડાના વિસ્તારોમાં વધારે જોવા મળે છે. પરંતુ ઘણીવાર ઉચ્ચ શિક્ષિત લોકો પણ દહેજ માંગતા હોય છે. અને તેના કારણે આજે પણ મોટા મોટા શહેરોમાં દીકરીઓ આત્મહત્યા કરે છે. આવી જ એક ઘટના તિરુવનંતપુરમમાં બની. કેરળના તિરુવનંતપુરમમાં એક 26 વર્ષીય ડૉક્ટરે દહેજના કારણે કથિત રીતે આત્મહત્યા કરી હતી. પરિવારજનો દહેજની માંગણી પૂરી કરી શકતા ન હોવાથી પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તેના કારણે ડૉક્ટરને ખૂબજ આઘાત લાગ્યો અને તેમને આત્મહત્યા કરી લીધી હતી. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે તિરુવનંતપુરમની સરકારી મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહેલા ડૉ. શહાનાના મૃત્યુની તપાસના આદેશ આપ્યા છે.
આ ઉપરાંત પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી અને દહેજ નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ મહિલાના પરિવારજનોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. ડૉ.શહાના તેની માતા અને બે ભાઈ-બહેન સાથે રહેતી હતી. તેના પિતા ગલ્ફ કન્ટ્રીમાં કામ કરતા હતા પરંતુ તેમનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. ડો.શહાનાને છેલ્લા ઘણા સમયથી ડો. ઈએ રુવૈસ સાથે સંબંધ હતા ત્યારે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
પરંતુ ડૉ. શહાનાના પરિવારે ડૉ. રુવૈસના પરિવારે પર આરોપ લગાવ્યો હતો કે દહેજમાં 150 ગ્રામ સોનું, 15 એકર જમીન અને BMW કારની માગણી કરી હતી. ત્યારે ડૉક્ટર શહાનાનો પરિવારે તે માંગ પૂરી ન કરા શકતા ડૉ. શહાનાના બોયફ્રેન્ડના પરિવારે લગ્ન રદ કરી દીધા હતા. જેના કારણે ડૉ.શહાનાએ આત્મહત્યા કરી હતી. તેમજ તેમના એપાર્ટમેન્ટમાંથી મળેલી એક સુસાઈડ નોટમાં લખ્યું હતું કે દરેકને માત્ર પૈસા જોઈએ છે. રાજ્ય લઘુમતી આયોગ પણ આ મામલાની તપાસ કરી રહ્યું છે.