નેશનલ

અનાજનો બગાડ ન કરો: મોદી

અન્ન સુરક્ષા માટે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીમાં ભારતમંડપમ ખાતે યોજાયેલા વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૩ને સંબોધન કર્યું હતું.

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનાજનો બગાડ ન કરવા શુક્રવારે આહવાન કર્યું હતું. ભારતીય મહિલાઓ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગની આગેવાની કરવાની કુદરતી ક્ષમતા ધરાવે છે એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે જી-૨૦ના પ્રતિનિધિમંડળે ભારતીય ખાદ્યપદાર્થોનો આનંદ માણ્યો હતો. ભારતનું ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર ‘સનરાઈઝ’ ઈન્ડસ્ટ્રી તરીકે ઊભરી આવ્યું છે અને છેલ્લાં નવ વર્ષમાં આ ઉદ્યોગે રૂ. ૫૦,૦૦૦ કરોડનું વિદેશી રોકાણ આકર્ષ્યું છે.

દિલ્હીમાં રાજમંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનારો આ ઈવેન્ટ પાંચ નવેમ્બર સુધી ચાલશે. વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૩ને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે છેલ્લાં નવ વર્ષમાં દેશના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂ. ૫૦,૦૦૦ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. સરકારની ઉદ્યોગ અને ખેડૂતતરફી નીતિનું આ પરિણામ હોવાનું તેમણે કહ્યું હતું. છેલ્લાં નવ વર્ષમાં પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં ૧૫૦ ટકાનો વધારો થયો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે સ્થાનિક સ્તરે પ્રોસેસિંગની ક્ષમતામાં પણ અસાધારણ વધારો થયો છે.

એક લાખ જેટલા સેલ્ફ હૅલ્પ ગ્રૂપને બિયારણ માટે આર્થિક સહાયની પણ મોદીએ જાહેરાત કરી હતી અને વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૩ના ભાગરૂપ ‘ફૂડ સ્ટ્રીટ’નું ઉદ્ઘાટન કર્યું હતું. વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૩નો આશય ભારતને ‘ફૂડ બાસ્કેટ ઑફ વર્લ્ડ’ તરીકે દર્શાવવાનો અને વર્ષ ૨૦૨૩ની ઉજવણી ઈન્ટરનેશનલ યર ઑફ મિલેટ્સ’ તરીકે કરવાનો છે. વર્ષ ૨૦૧૭માં વર્લ્ડ ફૂડ ઈન્ડિયાની ઉજવણી પ્રથમવાર કરવામાં આવી હતી, પરંતુ કોરોનાની મહામારીને કારણે ત્યાર બાદ દર વરસે તેનું આયોજન થઈ શક્યું
નહોતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button