નેશનલ

રામજીને એકલા ન રાખશોઃ જાણો વડા પ્રધાનને આવી અપીલ કોણે કરી

મુંબઈઃ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સાહ આખા દેશમાં અને વિશ્વભર છે ત્યારે 90ના દાયકામાં જેમણે ઘરે ઘરે રામાયણ પહોંચાડી તે રામાયણ સિરિયલના પાત્રો માટે પણ આ ખાસ ક્ષણ હશે જ. આ સિરિયલમાં સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિપીકા ચિખલીયાએ મીડિયા સાથે વાત કરતા પોતાને થઈ રહેલી ખુશીને વ્યક્ત કરી હતી. જોકે તેમણે એક રંજ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મંદિરમાં રામ સાથે સીતા માતાની મૂર્તિ સ્થાપિત કરવામાં નહીં આવે તે વાતનું મને દુઃખ છે.

22 જાન્યુઆરીના દિવસને તેમણે ખૂબ જ અનેરો અને ખાસ કહ્યો હતો અને જણાવ્યું હતું કે આ સમગ્ર દેશ માટે ગૌરવ આપનારો દિવસ સાબિત થશે.

આમંત્રણ મળવા પર વાત કરતા દીપિકાએ કહ્યું હતું કે મને આમંત્રણની અપેક્ષા ન હતી. જ્યારે મને RSS કાર્યાલયમાંથી ફોન આવ્યો તો તેમણે કહ્યું કે તમે અમારા માટે સીતાજી છો, આખી દુનિયા તમને આ નામથી ઓળખે છે. તમારી હાજરી ખૂબ જ જરૂરી છે. તેથી, કૃપા કરીને અમારું આમંત્રણ સ્વીકારો. જો કે તે સમયે હું એટલી ખુશ થઈ કે મારાથી બોલાઈ ગયું કે કે તમે પણ મને સીતા માનો છો ત્યારે સામેથી જવાબ આવ્યો કે આમાં કોઈ શંકા નથી.

જોકે, દીપિકાને એ વાતનું દુઃખ છે કે રામની સાથે સીતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં નહીં આવે. તેણે આ અંગે વાત કરતા કહ્યું કે લાગતું હતું કે રામજીની બાજુમાં સીતાજીની પ્રતિમા હશે. જો કે, એવું નથી, જેનો મને અફસોસ છે. હું પ્રસાર માધ્યમો દ્વારા વડાપ્રધાનને અયોધ્યામાં રામની સાથે સીતાજીની પ્રતિમા સ્થાપિત કરવા વિનંતી કરવા માંગુ છું. તેમને ક્યાંક જગ્યા આપો. કોઈ એવી જગ્યા હોવી જોઈએ જ્યાં રામ અને સીતાજી રહી શકે. મારી તમને વિનંતી છે કે રામજીને એકલા ન રાખો. હું માનું છું કે તેમનું બાળપણનું સ્વરૂપ અયોધ્યામાં છે. તે ખૂબ જ સુંદર સ્વરૂપ છે, પ્રભાવશાળી છે. જો રામજીની સાથે માતા સીતાને પણ રાખવામાં આવે તો માત્ર મને જ નહીં પરંતુ તમામ મહિલાઓને ખૂબ આનંદ થશે, તેવી ભાવના દિપીકાએ વ્યક્ત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button