નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડામાં વસતા શીખો ખાલિસ્તાની જૂથોથી પરેશાન હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય શીખો તાજેતરની ઘટનાઓથી અત્યંત દુઃખી છે. તેમનું કહેવું છે કે ખાલિસ્તાનનો મુદ્દે અતિશયોક્તિ કરવામાં આવી રહી છે. તેમણે ગ્લાનિભર્યા સ્વરે જણાવ્યું હતું કે અમે ગુરુદ્વારામાં દર્શન કરવા જઇએ છીએ અને અમારો ઉદ્દેશ્ય આતંકવાદીઓને સમર્થન કરવાનો નથી. શીખોને લાગે છે કે કેટલાક ખાલિસ્તાનવાદી શીખોના કટ્ટરવાદી વલણને કારણે તેમણે ભોગવવું પડે છે. તેઓ વિશ્વભરમાંથી સન્માન અને પ્રેમ ગુમાવી રહ્યા છે. શીખોને લાગે છે કે તેઓ તેમના આતિથ્ય અને સખાવતી કાર્યો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ ખાલિસ્તાનવાદીઓની હિંસા હવે તેમને બદનામ કરી રહી છે અને તેમના સારા કાર્યો પણ કાળખ ચોપડી રહી છે.
ભારતીય શીખોની ભાવનાઓને ઉજાગર કરતા, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં એક શીખ એવું કહેતા જોવા મળે છે કે તેમના બાળકો ખાલિસ્તાનીઓને સમર્થન આપવા અથવા ત્રિરંગાનું અપમાન કરવા ગુરુદ્વારામાં જતા નથી. વીડિયોમાં તે વ્યક્તિને કહેતા સાંભળી શકાય છે કે, ‘અમને શરમ આવે છે કે ત્રિરંગાનું અપમાન થઈ રહ્યું છે.’ નોંધનીય છે કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં ભારત અને કેનેડાના દ્વિપક્ષીય સંબંધોને ઝટકો આપતા ભારત પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાની આશંકા છે. તેમના આવા બેતુકા આક્ષેપોના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ટ્રુડોના દાવાઓ પ્રેરિત અને વાહિયાત છે.
શીખ સમુદાય યુનાઇટેડ કિંગડમ (યુકે), અમેરિકા (યુએસ), જર્મની, ફ્રાન્સ અને કેનેડા જેવા વિશ્વના વિવિધ ભાગોમાં જઇને વસ્યો છે અને ત્યાંના સમાજમાં સમાઈ ગયો છે. ઇન્ટેલિજન્સ સૂત્રો કહે છે કે શીખોને લાગે છે કે તેમની પાસે સાર્વત્રિક રીતે સ્વીકૃત કોઇ નેતા ન હોવાથી દુર્વ્યવહાર અને જુલમ અને આતંકવાદ ફેલાવવામાં સામેલ લોકોએ તેમનું નેતૃત્વ સંભાળ્યું છે. આવા કહેવાતા નેતાઓ માત્ર અલગતાવાદની વાત કરે છે અને તેમને ગુરુ ગ્રંથ સાહિબ સાથે કોઈ સંબંધ નથી. શીખોનું કહેવું છે કે આવા લોકોને તેમણે ક્યારેય પવિત્ર પુસ્તકમાંથી એક પણ શબ્દ વાંચતા જોયા નથી.
Taboola Feed