નેશનલ

ફોન નહીં આપીએ ડેટા લઈ જાઓઃ ચેન્નઈના મંદિરમાં આઈ ફોન મામલે થયો વિવાદ

ચેન્નઈઃ મંદિરોમાં દર્શન કરવા જઈએ ત્યારે દાનપેટીમાં લોકો પૈસા ધરતા હોય છે. એક શ્રદ્ધાળુને આ દાનપેટીમાં ભૂલથી પડી ગયેલા આઈ ફોન મામલે મંદિરે આપેલા જવાબે સૌનુ ધ્યાન ખેંચ્યું છે.

તમિળનાડુના તિરુપુરુર સ્થિત શ્રી કંડાસ્વામી મંદિરમાં દિનેશ નામનો એક શ્રદ્ધાળુ દર્શન કરવા ગયો હતો. અહીં દાનપેટીમાં ભૂલથી તેનો આઈ ફોન પડી ગયો. દિનેશને પોતાનો ફોન પાછો માગતા મંદિરના સંચાલકોએ એમ કહી ના પાડી કે દાનપેટીમાં મૂકેલી વસ્તુઓ પાછી આપી શકાતી નથી.

તમિલનાડુ હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ વિભાગે તેમને ફોન પરત આપવાની ના પાડી દીધી હતી ત્યારબાદ દિનેશ તિરુપુરુર સ્થિત શ્રી કંડાસ્વામી મંદિરના અધિકારીઓનો સંપર્ક કર્યો. તેણે વિનંતી કરી હતી કે તેનો ફોન, જે તેણે દાન કરતી વખતે અજાણતા દાન પેટીમાં મૂકી દીધો હતો, તે પરત કરવામાં આવે. ઘટના બાદ શુક્રવારે દાનપેટી ખોલ્યા બાદ મંદિર પ્રશાસને દિનેશનો સંપર્ક કર્યો હતો. મંદિર પ્રશાસને કહ્યું કે ફોન મળી ગયો છે અને ફોનનો ડેટા જ તેમને આપી શકાય છે. જો કે, દિનેશે ડેટા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેનો ફોન તેને પાછો આપવા કહ્યું હતું.

મંત્રી સુધી વાત પહોંચી

આ વિવાદ વકર્યો તો સીધો અહીંના હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ પ્રધાન પી.કે. શેખર બાબુ સુધી પહોંચ્યો હતો. તેમણે પણ આમ જ કહ્યું કે દાનપેટીમાં જતી તમામ વસ્તુઓ સીધી દેવના ખાતામાં જાય છે. તે ભક્તે ભગવાનને ચડાવેલો પ્રસાદ છે અને પ્રસાદ પાછો લઈ શકાય નહીં. આ પરંપરા છે, પરંતુ આ કેસમાં શ્રદ્ધાળુને જો કોઈ વળતર આપી શકાતું હશે તે તો વિચાર કરી જણાવશે.

અગાઉ પણ બની છે આવી ઘટનાઓ

ખૂબ જ મોંઘા ભાવમાં મળતા આઈ ફોનનું આ રીતે દાનપેટીમાં પડી જવું નવાઈ પમાડે તેવું છે, પરંતુ આ પહેલી ઘટના નથી જ્યારે દાનપેટીમાં શ્રદ્ધાળુઓનો આવો કિંમતી સામાન પડી ગયો હોય.


હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મે 2023 માં, કેરળના અલપ્પુઝાના ભક્ત એસ. સંગીતાની સોનાની ચેન અજાણતામાં પલાનીના પ્રસિદ્ધ શ્રી ધનદયુથાપાની સ્વામી મંદિરના દાન પેટીમાં પડી ગઈ હતી. જ્યારે શ્રદ્ધાળુ તેના ગળામાંથી તુલસીની માળા અર્પણ કરવા માટે કાઢી રહી હતી ત્યારે સોનાની ચેઈન દાનપેટીમાં પડી ગઈ હતી.

જો કે તેની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને અને ચેઈન અકસ્માતે પડી ગઈ હોવાની સીસીટીવી ફૂટેજ પરથી પુષ્ટિ થતાં મંદિરના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષે પોતાના અંગત ખર્ચે તે જ કિંમતની નવી સોનાની ચેઈન ખરીદીને ભક્તને આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે હુંડી સ્થાપના, સુરક્ષા અને એકાઉન્ટ્સ નિયમો, 1975 મુજબ, મંદિરને આપવામાં આવેલી કોઈપણ વસ્તુ ક્યારેય કોઈપણ સમયે માલિકને પરત કરવાની અનુમતિ આપવામાં આવતી નથી કારણ કે તે મંદિરની સંપત્તિ બની જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button