ફિટ આવતી હોવાનું કારણ આપી છૂટાછેડા ન મળે: કોર્ટ
નવી દિલ્હી: બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે કહ્યું હતું કે ફિટ આવવી એ ક્રૂરતા નથી અને હિન્દુ મેરેજ ઍક્ટ અંતર્ગત જીવનસાથીને વારંવાર ફિટ આવતી હોવાનું કારણ છૂટાછેડા માટેનો આધાર ન બની શકે.
ફિટ આવવી એ કોઈ માનસિક બીમારી નથી, એમ જણાવતાં કોર્ટે કહ્યું હતું કે આ બીમારીનો ઈલાજ થઈ શકે છે.
૩૩ વર્ષની વ્યક્તિએ પત્નીને અવારનવાર ફિટ આવતી હોવાથી તે માનસિક રીતે સ્વસ્થ નથી એટલે તેની સાથે રહી શકાય એમ ન હોવાનું જણાવી છૂટાછેડા આપવાની માગણી કરી હતી. ન્યાયાધીશ વિનય જોશી અને વાલ્મિકી એસએ મેનેઝિસની બનેલી ડિવિઝન બૅન્ચે છૂટાછેડાની માગણી કરતી એ અરજી રદ કરવાનો મંગળવારે આદેશ આપ્યો
હતો. ખંડપીઠે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે ફિટ આવવી એ કોઈ માનસિક બીમારી નથી તેમ જ આ બીમારીનો ઈલાજ થઈ શકે છે અને હિન્દુ મેરેજ ઍક્ટ હેઠળ જીવનસાથીને વારંવાર ફિટ આવતી હોવાનું કારણ છૂટાછેડા માટેનો આધાર ન બની શકે.
છૂટાછેડાની માગણી કરતી અરજીનો મહિલાએ પણ એમ કહીને વિરોધ કર્યો હતો કે મને અવારનવાર ફિટ આવે છે, પરંતુ મારાં માનસિક સ્વાસ્થ્ય પર તેની કોઈ અસર થઈ નથી.
તબીબી પુરાવાઓ મુજબ ફિટ આવવાની બીમારીથી પીડાતી કોઈ પણ વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે અને એ બાબતની કોર્ટે નોંધ લીધી હતી. (એજન્સી)