ભારતમાં સૌથી વધુ ગધેડા કયા રાજ્યમાં આવેલા છે, ગુજરાતમાં કેટલી છે સંખ્યા?

નવી દિલ્હી: આપણા સમાજમાં ગધેડાને હંમેશા મૂર્ખ પ્રાણી તરીકે જોવામાં આવે છે, પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે. હકીકતમાં, ગધેડા ઘણા પ્રાણીઓ કરતાં વધુ સમજદાર અને મહેનતુ હોય છે. ભારતના ગ્રામીણ અર્થતંત્રમાં તેમનું યોગદાન ઘણું મોટું છે, જ્યાં તેઓ ભાર વહન કરવા અને ખેતીના કામમાં મદદ કરે છે.
પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ગધેડાની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે ચિંતાજનક છે. છેલ્લે ૨૦૧૯માં ગણતરી કરવામાં આવી ત્યારે તેમની સંખ્યા માત્ર ૧.૨૦ લાખ હતી. ચાલો જાણીએ કે ભારતમાં સૌથી વધુ ગધેડાની વસ્તી ક્યા રાજ્યમાં છે?
ભારતમાં ગધેડાની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો
રાજસ્થાન
૨૩,૦૦૦ ગધેડા સાથે રાજસ્થાન દેશમાં પ્રથમ સ્થાને છે. અહીંના રણ વિસ્તારોમાં ગધેડા પાણી, લાકડાં અને અન્ય સામાન લાવવા-લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગરમ હવામાનમાં પણ તેમની મહેનત અને ટકી રહેવાની ક્ષમતા તેમને સ્થાનિક લોકો માટે અનમોલ બનાવે છે.
મહારાષ્ટ્ર
૧૮,૦૦૦ ગધેડા સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. આ રાજ્યના ગ્રામીણ અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ગધેડા મજૂરી અને ભાર વહન માટેનું મહત્ત્વનું સાધન છે. ઓછાં ખર્ચમાં પાલન થઈ શકતું હોવાથી તેઓ ગરીબ પરિવારો માટે ખૂબ જ ઉપયોગી છે.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશમાં લગભગ ૧૬,૦૦૦ ગધેડા છે. અહીંના ગામડાંઓમાં ગધેડા ઈંટો, અનાજ અને અન્ય સામાન લાવવા-લઈ જવામાં મદદ કરે છે, જે ગ્રામીણ જીવનને સરળ બનાવે છે.
ગુજરાત
૧૧,૦૦૦થી વધુ ગધેડા સાથે ગુજરાત આ યાદીમાં ચોથા સ્થાને છે. કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં ગધેડા મીઠું, ખેતીનો સામાન અને અન્ય ભાર વહન કરવા માટે ઉપયોગી છે. તેમની સખત મહેનત અને ઓછાં ખર્ચમાં થતી માવજત તેમને ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને મજૂરો માટે ખાસ બનાવે છે.
બિહાર
બિહારમાં લગભગ ૧૧,૦૦૦ ગધેડા છે. આ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગધેડા ખેતી અને સામાન પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેઓ ગરીબ ખેડૂતો માટે એક સસ્તો અને વિશ્વસનીય વિકલ્પ છે.