નેશનલ

ભારત-પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં ડ્રોન, મિસાઈલ અને ફાઈટર જેટ્સ રહ્યા નિષ્ફળ, જાણી લો સત્તાવાર કારણ…

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે બંને દેશો યુદ્ધના આરે ઉભેલા જોવા મળી રહ્યા છે. ઓપરેશન સિંદૂરથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને 8 મેની મોડી સાંજે ભારતના ઘણા ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતે વળતી કાર્યવાહીમાં જોરદાર જવાબ આપ્યો. ભારતીય જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન તરફથી આવેલા ડ્રોન અને મિસાઈલોને તોડી પાડવામાં આવ્યા હતા.

ગુરુવારે સાંજે પાકિસ્તાન દ્વારા ભારતનાં જમ્મુથી લઈને જેસલમેર સુધીના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ ભારતના એર ડિફેન્સ સિસ્ટમે તેમની આ તમામ નાપાક કોશિશોને નિષ્ફળ બનાવી દીધી હતી. ગુરુવારે સાંજે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે હવે ઘણી બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે.

પાકિસ્તાન તરફથી લગભગ 500 ડ્રોન આવ્યા
ગુરુવારે સાંજે પાકિસ્તાન તરફથી લગભગ 500 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સિયાચિનથી લઈને કચ્છના ભુજ નજીકના વિસ્તારો નિશાના પર હતા. આ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનના લગભગ 70 ડ્રોનને તોડી પાડ્યા હતા. શુક્રવારે સવાર થતાં જ ભારતના અલગ-અલગ સ્થળોએથી પાકિસ્તાની ડ્રોનના અવશેષો મળી આવ્યા છે.

24 લોકેશન પર હુમલો
સેનાના વિશ્વસનીય સૂત્રો પાસેથી એનડીટીવીને મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાન દ્વારા સેનાના મિલિટરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કુલ 24 લોકેશન પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી આ હુમલા રાત્રે 8 વાગ્યાથી શરૂ થઈને મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યા સુધી ચાલ્યા હતા.

તુર્કી અથવા ચીનના બનેલા ડ્રોનથી હુમલો
પાકિસ્તાનના ડ્રોન હુમલાથી ક્યાંય કોઈ નુકસાન થયું નથી. શુક્રવારે ભારતના ઘણા સ્થળોએથી ડ્રોનનો કાટમાળ મળી આવ્યો હતો. મોટાભાગના ડ્રોન તુર્કી અથવા ચીનના બનેલા હતા. સેનાના જણાવ્યા અનુસાર આ ડ્રોન બહુ અસરકારક નહોતા.

પાકિસ્તાનના ડ્રોન એટેકનો હેતુ ગભરાટ ફેલાવવાનો
ભારતીય સેનાએ એલ 70 ગન, ઝેડયુ 23 એમએમ બેરલ ગન અને સિલ્કા ગન સિસ્ટમની મદદથી પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા. સેના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના ડ્રોન હુમલા પાછળનો મુખ્ય હેતુ માત્ર ગભરાટ ફેલાવવાનો હતો.

મોટાભાગના ડ્રોન લગ્નમાં વપરાતા ડ્રોન જેવા
પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલામાં મોટાભાગના ડ્રોન લગ્નમાં ઉપયોગમાં લેવાતા ડ્રોન જેવા જ હતા. આનો હેતુ કદાચ સેનાના એર ડિફેન્સ સિસ્ટમને જાણવાનો પણ હોઈ શકે છે, જેથી ભવિષ્યમાં તેને નિશાન બનાવી શકાય. આવી સ્થિતિમાં ભારતે સતત વિશેષ તૈનાતી જાળવી રાખી છે.

ભારતના જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનને મોટું નુકસાન
ગઈકાલે સાંજે સમગ્ર લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર પાકિસ્તાન તરફથી જોરદાર ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ઉરીમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. જો કે, ગઈકાલની સરખામણીમાં હવે સરહદ પર ફાયરિંગ ઓછી થઈ છે. હાલમાં એલઓસી પર સ્થિતિ સ્થિર છે, પરંતુ વાતાવરણ તણાવપૂર્ણ છે. ભારતીય જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું છે.

આપણ વાંચો : ભારતે પાકિસ્તાનની 300થી વધુ મિસાઈલ તોડી પાડી, 28 બંકરોને પણ કર્યા ધ્વસ્ત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button