અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી એટલે કે આવતી કાલે શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ ભારતની મુલાકાતે આવી શકે છે. તેમણે ભારતની સંભવિત યાત્રા માટે તેમના સલાહકારો સાથે ચર્ચા કરી છે. ટ્ર્મ્પ ભારતની યાત્રા કરીને ભારત-અમેરિકાના મજબૂત સંબંધોની વિશ્વને પ્રતીતિ કરાવવા માગે છે. ભારત અને અમેરિકાના સંબંધ મજબૂત છે અને વિશ્વની બદલાતી અર્થવ્યવસ્થામાં ભારત અને અમેરિકા બંને મહત્વના બનીને ઊભરવાના છે એ પણ દર્શાવવા માગે છે.
આ પણ વાંચો : અમેરિકામાં પૂર્વે રચાયું હતું Donald Trump ની હત્યાનું ષડયંત્ર, આ દેશ પર લાગ્યો આરોપ
ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા એપ્રિલ મહિનાની શરૂઆતમાં કે ડિસેમ્બરના અંતમાં યોજાઇ શકે છે. એમ પણ માનવામાં આવે છે કે આ વર્ષના માર્ચથી જૂનની વચ્ચે યોજાનારી વ્હાઇટ હાઉસની બેઠકમાં પીએમ મોદીને પણ આમંત્રણ આપવામાં આવી શકે છે. તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે ચીન પર આકરા પ્રતિબંધો લાદવાની વાત કરી હતી પણ હવે સત્તા સંભાળ્યા બાદ તેઓ ચીન સાથે બગડેલા સંબંધો પણ સુધારવા માગે છે, તેથી જ તેઓ પદભાર સંભાળ્યા બાદ ચીનની મુલાકાતે જવાની યોજના પર પણ વિચાર કરી રહ્યા છે.
ટ્ર્મ્પે તાજેતરમાં ચીનના રાષ્ટ્રપતિ શી સાથે ફોન પર પણ વાત કરી હતી. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાજરી આપવાના છે.
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે યોજાનારા શપથ ગ્રહણ સમારોહ માટે વોશિંગ્ટન પહોંચી ગયા છે. તેમની સાથે મેલાનિયા ટ્રમ્પ પણ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીની સારી મિત્રતા છે. જોકે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ટ્રમ્પની ઇચ્છા મોદી સાથે મળીને અગાઉના હાઉડી મોદી જેવો કાર્યક્રમ યોજવાની અને લોકોને સંબોધન કરવાની ઇચ્છા હતી, પણ તે સમયે ડેમોક્રેટિક પાર્ટીના ભારતીય મૂળના કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોવાથી પીએમ મોદીએ આવા કાર્યક્રમના આયોજનમાંથી દૂરી બનાવી હતી, જેને કારણે ટ્રમ્પ પીએમ મોદીથી નારાજ હોવાની મીડિયામાં ચર્ચા છે.
આ પણ વાંચો : કેટ મિડલ્ટન કેન્સરથી સાજી થઈ, Cancerને કઈ રીતે કરશો Cancel…
મીડિયાનું માનવું છે કે પીએમ મોદીએ ગત સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાની મુલાકાત સમયે ટ્રમ્પને મળવાનું ટાળ્યું હતું, તેથી ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીને આમંત્રણ નથી આપ્યું. જોકે, ટ્ર્મ્પના શપથગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ પ્રધાન એસ. જયશંકર કરશે.