ટોપ ન્યૂઝનેશનલ

ટેરિફ વોરની આશંકા વચ્ચે રૂપિયામા ઐતિહાસિક ઘટાડો, ડોલર સામે સરકીને 87 પહોંચી ગયો…

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. તેમણે કેનેડા અને મેક્સિકો પર 25% અને ચીન પર 10% ડ્યુટી લગાવી દીધી છે, જેને કારણે વિશ્વમાં ટેરિફ વૉરમાં ભડકો થયો છે અને તેની અસર ભારતીય રૂપિયા પર પણ પડી છે. આજે શરૂઆતમાં કારોબારમાં રૂપિયો 67 પૈસા ઘટીને 87.29 પ્રતિ ડોલરના નીચા સ્તરે પહોંચી ગયો હતો. વિશ્વભરમાં વેપારી યુદ્ધ ફાટી નીકળવાની આશંકા વચ્ચે ભારતીય ચલણમાં આ તીવ્ર ઘટાડો નોંધાયો છે.

Also read : …તો અમેરિકા ભારત સહીત BRICS દેશો પર 100% ટેરિફ લગાવશે! ટ્રમ્પે કેમ આપી આવી ધમકી

શુક્રવારે ઇન્ટર બેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 86.61 પર બંધ થયો હતો પણ આજે બજાર ખુલતાની સાથે જ તેમાં ધબડકો બોલાયો હતો અને ડૉલર સામે રૂપિયો સરકીને 87.29ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ફેબ્રુઆરી 2023 પછીની રૂપિયાની આ સૌથી નબળી શરૂઆત હતી.

અન્ય દેશોની કરન્સીના શું હાલ છે? :-
ભારતનો રૂપિયો તો ઉંધા માથે પટકાયો જ છે, પણ આપણે દુનિયાના અન્ય દેશોની કરન્સી જોઇએ તો તેમના પણ હાલહવાલ થઇ ગયા છે. રૂપિયાની જેમ જ ચીન, મેક્સિકો અને કેનેડાની કરન્સીમાં પણ જબરજસ્ત ઘટાડો થયો છે. ચીની કરન્સી યુઆન પણ રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગઈ છે. મેક્સિકાનો પેસો અને કેનેડાનો ડોલર પણ તેમની સૌથી નબળી સ્થિતિમાં આવી ગયા છે અને અમેરિકાનો ડોલર એકદમ મજબૂત બની ગયો છે.

Also read : ટ્રમ્પે Trade War શરુ કરી! કેનેડા, મેક્સિકો અને ચીન પર આટલા ટકા Tariff ઝીંક્યો

આ મામલે એસબીઆઇ શું કહે છે? :-
આ મામલે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ) નો રિપોર્ટ ઘણો રાહત આપનારો છે. એસબીઆઇના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ટૂંકા ગાળાની ઘટના સાબિત થવાની અપેક્ષા છે. હકીકત એ છે કે અમેરિકામાં ટ્રમ્પ એટલે કે રિપબ્લિકનના કાર્યકાળ દરમિયાન રૂપિયો સ્થિર રહે છે. અમેરિકન રાષ્ટ્રપતિ નિકસનના કાર્યકાળથી આ જ પરંપરા ચાલી આવી છે. ઉલટાનું ડેમોક્રેટિકના શાસન કાળ દરમ્યાન રૂપિયો વધુ ગગડે છે. એસબીઆઇના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પના કાર્યકાળના શરૂઆતના દિવસોમાં તેમના મનસ્વી નિર્ણયોને કારણે રૂપિયાનો ધબડકો ટૂંકા ગાળાની ઘટના હશે. રૂપિયો શરૂઆતના આંચકા પછી થોડા દિવસમાં એડજસ્ટ થઈ જશે, તેથી ખાસ ચિંતા કરવાની જરૂર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button