ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ મોટું નિવેદન

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરની જાહેરાત અને બાદમાં રાહતના પગલે અનેક દેશોએ ટેરિફ મુદ્દે અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરી છે. જેમાં ભારત પણ અમેરિકા સાથે ટ્રેડ ડીલ માટે વાતચીત કરી રહ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો ટ્રેડ ડીલમાં પરિણમે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો
આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ભારત સાથે ટેરિફ વાટાઘાટો યોગ્ય રીતે ચાલી રહી છે અને બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ટ્રમ્પે મંગળવારે અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસ વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથેની ટૂંકી વાતચીતમાં આ વાત કહી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ભારત સાથે એક કરાર કરીશું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ અઠવાડિયા પહેલા અહીં હતા અને તેઓ એક ડીલ કરવા માંગે છે. ફેબ્રુઆરીના અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી. ટ્રમ્પે આ ટિપ્પણી અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટના એ નિવેદનના એક દિવસ બાદ કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે ભારત અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપનારા પ્રથમ દેશોમાંનો એક હશે જેથી
રેસીપ્રોકલ ટેરિફ ટાળી શકાય.
આ પણ વાંચો: ભારતીય બેંકો પર અમેરિકાના ટેરિફની કેટલી અસર થશે? લેટેસ્ટ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલે રેસીપ્રોકલ ટેરિફની જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ભારત અને ચીન સહિત ઘણા દેશો પર મોટા પાયે રેસીપ્રોકલ ટેરિફની જાહેરાત કરી હતી. જોકે, 9 એપ્રિલના રોજ ચીન અને હોંગકોંગ સિવાય અન્ય દેશોને આ ટેરિફ પર 90 દિવસની રાહત આપી હતી. જેમાં લગભગ 75 દેશોએ ટ્રેડ ડીલ માટે અમેરિકાનો સંપર્ક કર્યો હતો. જોકે, 2 એપ્રિલના રોજ દેશો પર લાદવામાં આવેલી 10 ટકા મૂળભૂત ડ્યુટી હજુ પણ અમલમાં છે. આ ઉપરાંત સ્ટીલ, એલ્યુમિનિયમ અને મોટર વાહનના ઘટકો પર પણ 25 ટકા ડ્યુટી લાદવામાં આવી છે.