
કોલકાતા: અહીંની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં તાલીમી મહિલા ડોક્ટર પરના બળાત્કાર અને હત્યાની ઘૃણાસ્પદ ઘટનાના તાત્કાલિક ઊંડી તપાસ કરીને પીડિતાને ન્યાય અપાવવાની માગણી સાથે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભૂતપૂર્વ બીસીસીઆઈ ચીફ સૌરવ ગાંગુલીએ બુધવારે રાત્રે મુશળધાર વરસાદ છતાં કોલકાતાની રૅલીમાં ભાગ લીધો હતો.
શાંતિપૂર્વકના આ પ્રદર્શનનું આયોજન ગાંગુલીની પત્ની ડોના ગાંગુલી અને તેની ડાન્સ ઍકેડેમીએ કર્યું હતું.
ગાંગુલી, પુત્રી સના તેમ જ પત્ની ડોનાએ પીડિતાને અંજલિ આપવા મીણબત્તી પ્રગટાવી હતી.
સૌરવ ગાંગુલીએ શનિવારે કોલકાતાની એક ઇવેન્ટમાં પ્રવચન દરમ્યાન મહિલા ડૉક્ટર પરના અત્યાચારના બનાવ સંબંધમાં જે પ્રતિક્રિયા આપી હતી એના પર સોશિયલ મીડિયામાં પોતાની ખૂબ ટીકા થયા બાદ ગાંગુલીએ સુધારેલું નિવેદન તો આપવાની સાથે મીડિયામાં પોતાનું પ્રોફાઈલ પિક્ચર બ્લૅકમાં ફેરવી નાખ્યું હતું, તેણે જાહેર પણ કર્યું છે કે બુધવાર, 21મી ઑગસ્ટે તે પત્ની ડોના અને પુત્રી સના સાથે મળીને બનાવ સામેની વિરોધ રૅલીમાં ભાગ લેશે.
#WATCH | Kolkata, West Bengal | Former Indian cricket team captain Sourav Ganguly along with his daughter Sana Ganguly took part in the protest against the rape-murder case at RG Kar Medical College and Hospital. pic.twitter.com/RRQoK3ZKuP
— ANI (@ANI) August 21, 2024
ડોના ગાંગુલીની ‘દીક્ષા મંજરી’ નામની ડાન્સ ઍકેડેમીના મેમ્બર્સ પણ કોલકાતાના બેહાલા ચૌરસ્તાથી સાંજે 7.30 વાગ્યે શરૂ થયેલી રૅલીમાં જોડાયા હતા. ડોનાની આ ડાન્સ ઍકેડેમીમાં ઘણી છોકરીઓ નૃત્યની તાલીમ લે છે.
ગાંગુલીએ એક અખબારી મુલાકાતમાં કહ્યું હતું કે ‘શનિવારે મેં ટ્રેઇની મહિલા ડૉક્ટરની ગોઝારી ઘટના વિશે જે કંઈ કહ્યું હતું એનું ખોટું અર્થઘટન કરાયું હતું અને એટલે જ મને તથા મારી ફૅમિલીને સોશિયલ મીડિયામાં ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.’
શનિવારે સૌરવ ગાંગુલીએ તાલીમી મહિલા ડૉક્ટર પરના બળાત્કાર અને હત્યાના બનાવ સંબંધમાં એક ટૉક-શોમાં એવું કહ્યું હતું કે ‘એકાદ બનાવ પરથી એવું ન માની લેવું જોઈએ કે (પશ્ર્ચિમ બંગાળ) છોકરીઓ અને મહિલાઓ માટે સલામત નથી. દરેક વ્યક્તિ અસલામત છે એવું કોઈએ ન માનવું જોઈએ. આવી ઘટના આખી દુનિયામાં બનતી હોય છે. એના પરથી એવું ન ધારી લેવું કે છોકરીઓ અસલામત છે. માત્ર પશ્ર્ચિમ બંગાળમાં જ નહીં, આખા ભારતમાં મહિલાઓ સલામત છે જ. આપણે જ્યાં રહેતા હોઈએ એને શ્રેષ્ઠ જગ્યા માનવી જોઈએ.’
બાવન વર્ષીય ગાંગુલીના આવા વિચારોને પગલે સોશિયલ મીડિયામાં ગાંગુલી ખૂબ ટ્રૉલ થયો હતો. જોકે રવિવારે ગાંગુલીએ સ્પષ્ટતા બહાર પાડી હતી જેમાં તેણે કહ્યું હતું કે ‘મેં શનિવારે જે કંઈ કહ્યું એનું ખોટું અર્થઘટન કરાયું છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે આવા ગુના જરાય સાંખી ન લેવાય. હવે તો પોલીસની સાથે સીબીઆઇ પણ તપાસ કરી રહી છે. જે કંઈ બની ગયું એ ખૂબ શરમજનક કહેવાય.’