ચા બનાવવામાં મોડું કર્યું ને પત્નીને મળ્યું મોત…
ગાઝિયાબાદ: ગાઝિયાબાદના ભોજપુરના ફાજલગઢ ગામમાં મંગળવારે સવારે લગભગ છ વાગ્યાના સમયે પતિએ પત્નીની ચા આપવામાં વિલંબ થવાના કારણે મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે ધરમવીરને સવારની ચા મેળવવામાં પાંચ મિનિટનો વિલંબ થયો હતો જેના કારણે તે ગુસ્સે થઈ ગયો હતો. અને તેને તેની પત્ની સુંદરી પર 15 વાર તલવાર વડે હુમલો કર્યો હતો અને તેની પત્નીનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. માતાની બૂમો સાંભળીને દીકરો સોલ્જર અને દીકરી લક્ષ્મી દોડી આવ્યા હતા પરંતુ તેમના પિતા ધરમવીરે તેમની પર પણ તલવારથી હુમલો કર્યો હતો. જોકે બંને ભાઈ બહેન ત્યાંથી ભાગી ગયા હતા અને બૂમો પાડીને આડોશી પાડોશીને ભેગા કર્યા હતા.
લોકોને પોતાની તરફ આવતા જોઈને ધરમવીર ખુલ્લી તલવાર લઈને છત પર ગયો અને ત્યાંથી કૂદીને ભાગી ગયો હતો. ગામના લોકોએ તેને ખેતર તરફ જતો જોયો હતો. જ્યારે પોલીસ ખેતરમાં પહોંચી તો ત્યાં છુપાયેલો જોવા મળ્યો હતો. ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે ધરમવીરના જણાવેલી જગ્યા પરથી હત્યામાં વપરાયેલી તલવાર મળી આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તે પહેલેથી જ ગુસ્સામાં હતો અને તેની પત્નીને મારવાનું બહાનું શોધી રહ્યો હતો. ચા મળવામાં વિલંબ થવો એતો ફકત એક બહાનું હતું. ધરમવીર ત્રણ દિવસથી પત્નીની હત્યાનું બહાનું શોધી રહ્યો હતો. ધરમવીરના પુત્રએ જણાવ્યું હતું કે પિતાએ ત્રણ દિવસ પહેલા માતાને ધમકી આપી હતી કે તે તેને જીવતી નહીં છોડે, પરંતુ કોઈએ તેને ગંભીરતાથી લીધી ન હતી.
ત્રણ દિવસ પહેલા ઘરમાં રાખેલી જૂની કાટ લાગી ગયેલી તલવાર તે લઈ ગયો હતો. તેને ધારદાર બનાવીને લાવ્યો હતો. અમને લાગ્યું કે તે અમને ડરાવવા માટે આવું કરી રહ્યો છે. પરંતુ આ રીતે માતાને મારી નાખશે તે વિચાર્યું નહોતું.
પોલીસે ધરમવીરની પૂછપરછ કરી ત્યારે તેને જણાવ્યું હતું કે મારી પત્ની એ મારું અપમાન કર્યું હતું એટલે મે માતા સામે સોગંધ લીધા હતા કે હું તેને મારી જ નાખીશ. સોગંધ લેવા માટે તે સોમવારે સિકરી માતાના મંદિરે પણ ગયો હતો.