
ભારત યાત્રા: મણિપુરના થોઉબલ ખાતેથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો પ્રારંભ કરાવતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સાથે યુદ્ધ સ્મારકની મુલાકાત લેતા પક્ષના અન્ય નેતાઓ. (પીટીઆઇ)
૬૭ દિવસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો પ્રારંભ
થોઉબલ: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારે મણિપુરથી કૉંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો પ્રારંભ કરાવતા વાંશિક હિંસાથી અસરગ્રસ્ત રાજ્ય મણિપુરમાં શાંતિ અને કોમી એખલાસ સ્થાપવાની બાંયધરી આપી હતી અને આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) કદાચ મણિપુરને ભારતનો હિસ્સો નથી ગણતા અને તેથી તેઓને મણિપુરના લોકોનું દુ:ખ દૂર કરવામાં
રસ નથી.
ઇશાન ભારતના રાજ્ય મણિપુરમાં ગયા વર્ષના મે મહિનામાં શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૧૮૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો બેઘર બન્યા હતા.
રાહુલ ગાંધીએ મણિપુરના પાટનગર ઇમ્ફાલની દક્ષિણમાં આવેલા થોઉબલ ખાતે જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે મણિપુરની હિંસામાં અનેક લોકોએ જાન ગુમાવ્યા હતા, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેઓના સગાંના આંસુ લૂછવા અહીં હજી નથી આવ્યા.
તેમણે આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદી, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) કદાચ મણિપુરને ભારતનો ભાગ જ નથી માનતા. તમારું દુ:ખ તેઓ નથી સમજતા. કૉંગ્રેસ તમારું દુ:ખ અને સમસ્યા સમજે છે અને તેને ઉકેલવા માટે ઉત્સુક છે.
રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસની ‘ભારત જોડા ન્યાય યાત્રા’માં ૬,૭૧૩ કિલોમીટર, લોકસભાના ૧૦૦ મતક્ષેત્ર, વિધાનસભાની ૩૩૭ બેઠક અને ૧૧૦ જિલ્લાને આવરી લેવાશે અને તે ૬૭ દિવસ પછી ૨૦ માર્ચે મુંબઈમાં પૂરી થશે.
કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે મોદી મણિપુરમાં માત્ર ચૂંટણી વખતે મત માગવા આવે છે, પણ લોકોનું દુ:ખ દૂર કરવામાં તેમને રસ નથી.
(એજન્સી)
આસામનો તબક્કો આઠ દિવસનો
ગુવાહાટી : કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો આસામનો તબક્કો આઠ દિવસનો છે અને એની શરૂઆત શિવસાગરથી થશેે. યાત્રા પડોશના નાગાલૅન્ડથી આંતરરાજ્ય સરહદેથી પ્રવેશશે. આસામ પ્રદેશ કૉંગ્રેસ કમિટીએ બહાર પાડેલા રૂટ પ્રમાણે યાત્રા આસામના ૧૭ જિલ્લા અને ૮૩૩ કિલોમીટરને આવરી લેશે.
ગાંધી બે જાહેરસભા શિવસાગરના અમગુરી અને જોરહાતમાં મરિયાનીના ગિબ્બોન ફોરેસ્ટ એરિયામાં સંબોધશે.
પહેલા દિવસે અમગુરી અને મરિયાની ખાતે બે રોડ શો કરાશે. રાહુલનો કાફલો જોરહાતમાં રોકાશે. ત્યાર બાદ યાાત્રા માજુલી જશે. રાહુલ બ્રહ્મપુત્રા નદી પર આવેલા નિમતીઘાટથી અફલાઘાટ ફેરીથી જશે. (એજન્સી)