નેશનલસ્પેશિયલ ફિચર્સ

વારંવાર મણિપુરમાં ભડકી ઊઠતી હિંસા: કેન્દ્ર સરકારને કેમ કોઈ જ પરવા નથી?

કવર સ્ટોરી -વિજય વ્યાસ

ઉત્તર-પૂર્વના ટચૂકડા રાજ્ય મણિપુરમાં ફરી એક હિંસા ભડકી ઊઠી છે અને ફરી એક વાર આખા દેશનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. હિંસાને પગલે મણિપુરની સરકારે પાંચ દિવસ માટે એટલે કે ૧૨ સપ્ટેમ્બર સુધી ઈન્ટરનેટ બંધ કરી દીધું અને સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દીધી.

તોફાનીઓને કાબૂમાં લેવા માટે પેરામિલિટરીના બીજા બે હજાર જવાનોને તાત્કાલિક મણિપુર મોકલવા પડ્યા છે. રાજ્ય સરકારે ૧૨ સપ્ટેમ્બર પછી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ તો હટાવી લીધો, પણ મોબાઈલ ડેટા પરનો પ્રતિબંધ હજુ યથાવત છે.

બીજી તરફ, મણિપુરમાં હિંસાના એવાં વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં લોકોનાં ટોળેટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં છે અને પોલીસ તથા અર્ધલશ્કરી દળોના જવાનોને તગેડી રહ્યા છે. મણિપુરમાં લોકોની હાલત ખરાબ છે એ વિશેના રિપોર્ટ પણ પ્રકાશિત થઈ રહ્યા છે.

મણિપુરની હિંસામાં ૫૦ હજાર કરતાં વધારે લોકો બેઘર થઈ ગયાં છે, જે છેલ્લાં દોઢ વરસથી નિરાશ્રિત છાવણીઓમાં રહે છે. આ લોકોની હાલત કફોડી છે કેમ કે કામ-ધંધો કંઈ છે નહીં ને સરકાર તરફથી બીજી કોઈ સહાયતા પણ મળી રહી નથી. આમાંથી મોટા ભાગનાં લોકો હિંદુ મેઈતેઈ સમુદાયના છે અને એમનું ભાવિ તો અત્યારથી જ સંપૂર્ણપણે અંધકારમય લાગી રહ્યું છે.

Centre government doesnt care about Manipur violence?

રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો એવું કહેવાય છે. મણિપુરના મામલે આપણા દેશમાં એવી જ સ્થિતિ છે. મણિપુરમાં છેલ્લાં દોઢ વર્ષથી લોકોની હાલત ખરાબમાંથી બદતર થઈ રહી છે ત્યારે દિલ્હીમાં બેઠેલા શાસકોનાં પેટનું પાણી સુધ્ધાં હાલતું નથી.

બલ્કે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો દુનિયાભરના દેશોમાં આવન-જાવન કરી રહ્યા છે, પણ મણિપુરમાં દોઢ વરસથી સળગેલી હોળી ઠારવાનું સૂઝતું નથી ને બીજી તરફ, રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવા માટે એ ‘શાંતિદૂત’ની ભૂમિકા ભજવવા યુક્રેન સુધી પહોંચી ગયા!

દેશના વડા પ્રધાન મણિપુરની હિંસાને મુદ્દે જે રીતે વર્તી રહ્યા છે એ જોઈને સૌ કોઈને આઘાત લાગે છે. ‘મણિપુર દોઢ વર્ષથી સળગી રહ્યું છે પણ મોદીસાહેબ પાસે મણિપુર જવાનો સમય નથી’ એવી વિપક્ષો સતત ટીકામાં વજૂદ પણ છે.

મણિપુરમાં ૩ મે, ૨૦૨૩થી હિંસા શરૂ થઈ. મતલબ કે લગભગ દોઢ વર્ષ થયાં. મોદી સાહેબ આ દોઢ વર્ષમાં એક પણ વાર મણિપુર ગયા નથી કે મણિપુરની હિંસા વિશે કોઈ નિવેદન સુધ્ધાં આપ્યું નથી. ૩૭ લાખની વસતિ ધરાવતું મણિપુર ભારતનું એક રાજ્ય જ ના હોય એમ સમજીને મોદી મણિપુર વિશે કંઈ બોલતા જ નથી.

અહીંની હિંસામાં ૨૦૦ કરતાં વધારે લોકો સત્તાવાર રીતે માર્યાં ગયાં છે, સંખ્યાબંધ મહિલાઓ પર બળાત્કાર થયાં છે, ૫૦ હજાર લોકો બેઘર થયાં છે, પણ મોદીના ઠંડા કલેજે બેઠા છે.

બીજી તરફ, કોલકાતામાં ટ્રેની ડોક્ટર યુવતીના રેપ-મર્ડરનો મુદ્દો લાલ કિલ્લા પરથી ઉઠાવનારા મોદી ગયા મે મહિનામાં મણિપુરમાં બે યુવતીને નગ્ન કરીને જાહેરમાં પરેડ પછી એમના પર ગેંગ રેપ થયો એ વિશે વડા પ્રધાને માત્ર એટલું જ કહ્યું કે ‘અપરાધીઓની સખ્ત સજા થશે..’ તે પછી એ બિલકુલ ચૂપ છે. સીબીઆઈએ ચાર્જશીટમાં પોલીસે પેલી બન્ને યુવતીને ટોળાને સોંપી દીધેલી એવું કહ્યું છે. એ વિશે પણ કેન્દ્ર સરકારનું ભેદી મૌન બધાને ખૂંચે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ મણિપુરમાં સુરક્ષાની જવાબદારી એમની ના હોય એ રીતે વર્તી રહ્યા છે. ગયા વરસે મે મહિનામાં હિંસા ફાટી નીકળી પછી અમિત શાહ ૪ દિવસ માટે મણિપુર ગયા હતા, પણ પછી મણિપુરને ભૂલી ગયા. લોકસભાની ચૂંટણી વખતે એપ્રિલમાં શાહ મણિપુરમાં પ્રચાર કરવા ગયેલા પણ એ પછી એમને પણ મણિપુર જવાનો સમય મળ્યો નથી.

અલબત્ત, અમિત શાહ વચ્ચે વચ્ચે મણિપુરના ગૃહ મંત્રી, પોલીસ વડા વગેરેને બોલાવીને સમીક્ષા બેઠક કરી લે છે, પણ એનાથી સ્થિતિ બદલાઈ નથી. દોઢ વર્ષ પછી પણ મણિપુરની હિંસા અટકી નથી ને કેન્દ્રીય નેતાઓ વચ્ચે વચ્ચે ‘અમે આતંકવાદને ખતમ કરી નાખીશું ને દેશની સુરક્ષા પર આંચ નહીં આવવા દઈએ’ એવા ફૂંફાડા માર્યા કરે છે, પણ મણિપુરમાં શાંતિ સ્થાપી નથી શકતા.

મણિપુરની સમસ્યાના મૂળમાં શું છે તેના વિશે બહુ લખાઈ ગયું છે તેથી ફરી એ મુદ્દો છેડતા નથી, પણ અત્યારે મણિપુરની સ્થિતિ જંગલરાજ જેવી છે. કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે નહીં અને કાયદાનું શાસન કઈ રીતે સ્થાપવું તેની સૂઝ સરકારને પડતી નથી.

મણિપુરમાં આજે ૩૭ લાખની વસતિ છે અને એમની સુરક્ષા માટે ૪૦ હજાર કરતાં વધારે જવાનો તૈનાત છે. મતલબ કે, દર ૧ લાખ લોકોએ ૧૧૦૦ કરતાં વધાર જવાનો તૈનાત હોવા છતાં ત્યાં હિંસા રોકી શકાતી નથી તેના પરથી જ સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવે છે.

મણિપુરમાં ઈન્ડિયન આર્મી ઉપરાંત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ), સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) વગેરે પેરા મિલિટરી ફોર્સના હજારો જવાનો તૈનાત છે. મણિપુરની પોલીસ પણ છે ને છતાં લોકો સલામત નથી.

મણિપુરમાં નવેસરથી ફાટી નીકળેલી હિંસાની શરૂઆત ૧ સપ્ટેમ્બરે ઈમ્ફાલ વેસ્ટમાં થયેલા ડ્રોન હુમલાથી થઈ હતી. ડ્રોન દ્વારા બોમ્બ ફેંકાયા. તેમાં બે માણસ મરી ગયાં એ પછી બીજે ઠેકાણે પણ ડ્રોનથી બોમ્બ ફેંકાયા હોવાનું કહેવાય છે. જોકે, આપણી આર્મી આ વાત સ્વીકારતી નથી, પણ લોકો ડ્રોન દ્વારા બોમ્બ ફેંકાયા હોવાનું વીડિયોમાં કહી રહ્યા છે.

લોકો પર રોકેટમારો પણ થયો છે. એનો આર્મીએ પણ ઈન્કાર કર્યો નથી. મતલબ કે, આકાશમાંથી ક્યારે મોત આંબી જશે એ ખબર જ ના હોય એવા ફફડાટના માહોલમાં લોકો જીવી રહ્યાં છે.

૧૯૯૦ના દાયકામાં લોકો જમ્મુ અને કાશ્મીર જતાં ડરતાં હતાં. અત્યારે એવી જ હાલત મણિપુરની છે અને આ વાત ભાજપના પિતૃ સંગઠન એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કરી છે. એકાદ અઠવાડિયા પહેલાં ભાગવતે નિવેદન આપેલું કે, મણિપુરમાં લોકોને પોતાની સુરક્ષા અંગે ચિંતા છે અને બહારથી લોકો મણિપુર જઈ જ ના શકે એટલી ખરાબ સ્થિતિ છે.

ભાગવતે લોકસભાની ચૂંટણી પછી પણ મણિપુરની હિંસાને કાબૂમાં લેવા નક્કર પગલાં લેવા કહેલું પણ એ કેન્દ્ર સરકારના બહેરા કાને આ વાત અથડાઈ. તેથી ત્રણ મહિના પછી ભાગવતે આ વાત ફરી દોહરાવવી પડી છે.

ભાગવતજીની આ વાતની મોદી પર આ વખતે પણ અસર થાય એવી શક્યતા ઓછી દેખાય છે કેમ કે અસર થવાની હોત તો ત્રણ મહિનામાં કેન્દ્ર સરકારે કંઈક તો કર્યું જ હોત ને?

Also Read –

https://bombaysamachar.com/special-features/%e0%aa%af%e0%ab%81%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%86%e0%aa%a7%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%95-%e0%aa%b9%e0%aa%a5%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%b0-%e0%aa%a1

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button