
અત્યારના સમયમાં મોબાઇલમાં ઓટીટી પર અને ઓનલાઇન ફિલ્મો અને રીલ્સ જોવાનું ચલણ ખૂબજ વધી ગયું છે. ત્યારે નાના નાના બાળકો પણ આખો આખો દિવસ મોબાઈલ જોતા હોય છે. ત્યારે જ્યારે બાળકોને સર્ચ કરતા આવડી જાય પછી તો બાળકો ફોનમાં ગમે તેવા કન્ટેન્ટ જોતા હોય છે અને તેની સીધી અસર બાળકો પર જોવા મળે છે. ત્યારે હવે સોશિયલ મિડીયાના થતા દુરૂપયોગ સામે અમેરિકાના ન્યૂ મેક્સિકોના એટર્ની જનરલે મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સામે મોરચો ખોલ્યો છે. એટર્ની જનરલે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર બાળકોના શોષણનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો છે. ન્યુ મેક્સિકોના એટર્ની જનરલ રાઉલ ટોરેઝે આક્ષેપ કર્યો છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે અને વાંધાજનક પોસ્ટ દ્વારા સગીરોને અશ્લીલતા કરવા માટે ઉશ્કેરે છે.
રાઉલ ટોરેઝને જણાવ્યું હતું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એવા ગુનેગારોનું સીધું બજાર બની ગયા છે કે જ્યાં બાળકો શિકાર બની રહ્યા છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ફીડ્સમાં વાંધાજનક અને પ્રતિબંધિત સામગ્રી પણ ઉમેરવામાં આવે છે. જેના માટે રાઉલ ટોરેઝે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કેટલાક બાળકોના ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. આ એકાઉન્ટ્સ બનાવતાની સાથે જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના એલ્ગોરિધમના કારણે તેના પર અશ્લીલ તસવીરો અને એડલ્ટ કન્ટેન્ટ દેખાવા લાગ્યા.
રાઉલ ટોરેઝે મેટાને તેની નીતિમાં મોટા ફેરફારો કરવાનો આદેશ આપવા કોર્ટને અપીલ કરી છે. જેથી ભવિષ્યમાં બાળકોને અશ્લીલ સામગ્રી, સાયબર ગુંડાગીરી અને જાતીય શોષણનો ભોગ બનવાથી સુરક્ષિત કરી શકાય. મેટા એ એવી દલીલ કરી હતી કે બાળકોના હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેવા જોઇએ. નોંધનીય છે કે ઈન્સ્ટા અને ફેસબુકના માલિક માર્ક ઝુકનબર્ગ સામે અમેરિકાની સરકાર કાર્યવાહી કરે તો નવાઇ નહિ.