ચેન્નઈ: તમિલ અભિનેતા, રાજકારણી અને DMDK પાર્ટીના પ્રમુખ કેપ્ટન વિજયકાંતનું આજે નિધન થયું. પાર્ટીના જણાવ્યા અનુસાર, તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
DMDKએ અગાઉ કહ્યું હતું કે તેમને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું હતું કે વિજયકાંત “તંદુરસ્ત” છે અને ટેસ્ટ પછી ઘરે પરત ફરશે. જો કે, આજે પાર્ટીએ કહ્યું કે તેમનો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે.
હોસ્પિટલે બુલેટિન બહાર પાડ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું છે કે, કેપ્ટન વિજયકાંત ન્યુમોનિયાને કારણે દાખલ થયા બાદ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. તબીબી સ્ટાફના પ્રયાસો છતાં, 28 ડિસેમ્બર 2023 ના રોજ સવારે તેમનું અવસાન થયું. બીજેપી નેતા ખુશ્બુ સુંદરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું, ‘આપણે એક રત્ન ગુમાવ્યો છે. આપણા પ્રિય કેપ્ટન, આપણા વિજયકાંત સાહેબના આત્માને શાંતિ મળે. તેમના પરિવાર, ચાહકો અને પક્ષના સમર્પિત કાર્યકરો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.’
કેપ્ટન વિજયકાંતને 20 નવેમ્બરે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ મહિને તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા. વિજયકાંતની શ્વાસની બીમારીની સારવાર ચાલી રહી હતી.
કેપ્ટન વિજયકાંતની ફિલ્મી સફર પણ શાનદાર રહી છે, તેમણે ઘણી હિટ ફિલ્મો આપી અને 154 ફિલ્મોમાં અભિનય કર્યો. ફિલ્મો બાદ તેઓ રાજકારણમાં જોડાયા. તેમણે DMDK ની સ્થાપના કરી અને વિરુધાચલમ અને ઋષિવંદ્યમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા બે વખત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને