‘હું જન્મથી જ હિન્દુ છું…’, કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાને ભાજપમાં જોડવા અંગે સ્પષ્ટતા કરી…

બેંગલુરુ: છેલ્લા કેટલાક દિવસથી અટકળો ચાલી રહી છે કે કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે (DK Shivkumar) કોંગ્રેસનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકે છે. આ અટકળોને કારણે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમ થઇ ગયું હતું. એવામાં ડીકે શિવકુમાર સ્પષ્ટતા કરી છે કે તેઓ પાર્ટી છોડીને ક્યાંય નથી જઈ રહ્યા, તેમને કહ્યું કે તેઓ જન્મથી જ કોંગ્રેસી છે.
Also read : સીમાંકનને કારણે દક્ષિણ ભારતની એક પણ સંસદીય સીટ પર અસર થશે નહીંઃ અમિત શાહ
અટકળો કેમ શરુ થઇ?
નોંધનીય છે કે કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કર્યું અને પછી ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની પ્રશંસા કરી. ત્યાર બાદ, તેઓ મહાશિવરાત્રી નિમિત્તે સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા યોગ કેન્દ્ર પહોંચ્યા હતાં. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ પછી, એવી અટકળોએ જોર પકડ્યું હતું કે ડીકે શિવકુમાર ભાજપમાં જોડાઈ શકે છે.
ડીકે શિવકુમારની સ્પષ્ટતા:
ડીકે શિવકુમારે અફવાઓને ફગાવતા કહ્યું, “ઈશા ફાઉન્ડેશનમાં આવવા બદલ મારી પહેલા પણ ટીકા થઈ છે. મને સદગુરુએ આમંત્રણ આપ્યું હતું, તેથી હું અહીં આવ્યો. હું જન્મથી જ હિન્દુ છું અને બધા ધર્મોને પ્રેમ કરું છું. આનો અર્થ એ નથી કે હું ભાજપની નજીક આવી રહ્યો છું, હું અમિત શાહને મળ્યો પણ નથી.”
‘હું જન્મથી જ કોંગ્રેસી છું’
ડીકે શિવકુમારે કહ્યું કે, “મેં મીડિયા અને સોશિયલ મીડિયામાં જોયું, મારા મિત્રો પણ મને ફોન કરીને પૂછી રહ્યા છે કે શું હું ભાજપની નજીક આવી રહ્યો છું, પરંતુ એવું નથી. હું જન્મથી જ કોંગ્રેસી છું. મને મહાકુંભમાં શ્રદ્ધા છે અને હું બધા ધર્મોનો આદર કરું છું. જેલમાં હતો ત્યારે મેં શીખ ધર્મનો અભ્યાસ કર્યો. મેં જૈન મઠોની પણ મુલાકાત લીધી છે. બધા ધર્મના લોકો મને આશીર્વાદ આપે છે. હું દરગાહ અને ચર્ચમાં પણ જાઉં છું. દરેક સમુદાય મને સ્વીકારે છે. આવી અટકળોને હું ગણકારતો નથી. હું ભાજપના આરોપોને ગંભીરતાથી લેતો નથી.”
‘સદગુરુના જ્ઞાનનો આદર કરું છું’
ડીકે શિવકુમાર ગઈકાલે કોઈમ્બતુરમાં સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન દ્વારા આયોજિત શિવરાત્રી કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. તેમણે આ કર્યક્રમના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા.
ધર્માધિકારીઓ સાથે તેમના સંબંધો અંગેના તાજેતરના વિવાદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “સદગુરુ મારા ઘરે આવ્યા અને મને ઈશા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું. તેઓ મૈસુરના છે અને હું તેમના જ્ઞાનનો આદર કરું છું. ગયા વર્ષે મારી પુત્રીએ તેમના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ વખતે તેમણે મને અને મારા પરિવારને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હતું.”
Also read : સન્માનઃ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝની યાદીમાં કન્નડ લેખિકાને મળ્યું સ્થાન
‘AICC ઓફીસ મારા માટે મંદિર’
જ્યારે AICC ના મહાસચિવ કે.સી. વેણુગોપાલ સાથેની તેમની તાજેતરની મુલાકાત વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “હું પાર્ટી પ્રમુખ છું, AICC કાર્યાલય મારા માટે મંદિર જેવું છે. જો હું કોઈને ન મળું તો પણ હું કાર્યાલયમાં જાઉં છું કારણ કે આ તે સંગઠન છે જેણે મને આ પદ આપ્યું છે. શું હું તેના બદલે ભાજપ કાર્યાલય જઈશ?”