DJના લાઉડ મ્યૂઝિકે લીધો માસૂમનો જીવ! ડાન્સ કરતી વખતે અચાનક એવું થયું કે જશ્નનો માહોલ ફેરવાઈ ગયો માતમમાં
Bhopal News: લગ્નનો જશ્ન હોય કે તહેવાર, ડીજે પર લાઉડ મ્યુઝિક સાથે યુવાનોનો ડાન્સ ક્યારેક બીજા માટે મુસીબત બની જાય છે. બહાર તીવ્ર અવાજમાં વાગતું ડીજે ઘરમાં રહેલા બાળકો અને વડીલો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તાજેતરમાં એક આવો જ મામલો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી સામે આવ્યો છે. જ્યાં કથિત રીતે ડીજેના લાઉડ મ્યૂઝિક પર ડાન્સ કરી રહેલા 13 વર્ષના બાળકનું અચાનક મૃત્યુ થયું હતું.
સ્થાનિક લોકો ડીજે વગાડીને તહેવારનો જશ્ન મનાવી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે ડીજે 13 વર્ષીય સમર બિલ્લોરેના ઘર પાસે આવીને અટક્યું તો ખુદને ડાન્સ કરતા ન રોકી શક્યો. સમીર ડાન્સ કરવા પહોંચી ગયો અને થોડીવારમાં તે જમીન પર પડી ગયો. તેની આસપાસ ડાન્સ કરતાં લોકોને ખબર ન પડી કે તે જમીન પર બેભાન થઈને પડ્યો છે પરંતુ તેની માતા જમના દેવીની નજર પુત્ર પર પડી અને મદદ માંગી. જમના દેવીએ જણાવ્યું કે, સમરને હૃદયની બીમારી હતી. ડૉક્ટરોએ તેને હાર્ટ ફેલિયર જણાવ્યું છે. સમરના પિતા કૈલાશ બિલ્લૌરે જણાવ્યું કે, ડીજેનો અવાજ વધારે ફાસ્ટ હતો. અનેક વખત ડીજે બંધ કરવા કહેવાયું પરંતુ કોઈએ બંધ કર્યુ નહોતું.
ચેતવણી પછી પણ ડીજે બંધ ન થયું
કૈલાશે કહ્યું કે, ભલે અમારા પુત્રનો જીવ ગયો પરંતુ તેમ છતાં અમને લાગ્યું કે ડીજેના ઘોંઘાટને કોઈ રોકી શકશે નહીં. એક રિપોર્ટ મુજબ ભોપાલમાં 12 દિવસની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગૌતમ નગર, જંબોરી મેદાન, જહાંગીરાબાદ અને ગોવિંદપુરા જેવા વિસ્તારોમાં અવાજનું સ્તર માપવામાં આવ્યું હતું. ઘોંઘાટનું સ્તર સતત 90 થી 100 ડેસિબલ્સ વચ્ચે હતું, જે વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત મર્યાદાથી ઘણું વધારે હતું. નિયમોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રહેણાંક વિસ્તારોમાં સ્પીકરનો અવાજ દિવસ દરમિયાન 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલથી વધુ ન હોવો જોઈએ. શાંત વિસ્તારોમાં મર્યાદા તેનાથી પણ ઓછી છે, દિવસ દરમિયાન 50 ડેસિબલ અને રાત્રે 40 ડેસિબલ પર નિર્ધારીત કરવામાં આવી છે.