જોકોવિચે યુએસ ઓપન 2023નું ટાઇટલ જીત્યું
ન્યૂ યોર્ક: સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે યુએસ ઓપન 2023નું ટાઇટલ જીતી લીધું છે. જોકોવિચે ન્યૂ યોર્કમાં રમાયેલી ફાઇનલમાં ડેનિલ મેદવેદેવને હરાવીને તેનું 24મું ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. સર્બિયાના 36 વર્ષીય અનુભવી ખેલાડી જોકોવિચે 6-3, 7-6 (7-5), 6-3થી જીત મેળવી હતી.
જોકોવિચે પ્રથમ સેટ 6-3થી સરળતાથી જીતી લીધો હતો. આ પછી બીજા સેટમાં જોકોવિચ અને મેદવેદેવ વચ્ચે જોરદાર રસાકસી જોવા મળી. જોકોવિચે આ સેટ 7-6 (7-5)થી જીત્યો હતો. ત્રીજા સેટમાં જોકોવિચે મેદવેદેવને 6-3થી હરાવ્યો હતો.
નોવાક જોકોવિચે યુએસ ઓપન 2023 દ્વારા તેની 36મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમી હતી. જોકોવિચે 36માંથી 24 વખત ટાઇટલ જીત્યું છે. તેણે 10 વખત ઑસ્ટે્રલિયન ઓપન, સાત વખત વિમ્બલ્ડન, 3 વખત ફ્રેન્ચ ઓપન અને 4 વખત યુએસ ઓપન જીતી છે. આ વખતે જોકોવિચે યુએસ ઓપનનું ચોથું ટાઇટલ જીત્યું. આ પહેલા સર્બિયન ટેનિસ સ્ટાર 2011, 2015 અને 2018માં યુએસ ઓપન ટાઈટલ જીતી ચૂક્યો છે.
જોકોવિચે યુએસ ઓપન ફાઈનલ જીત્યા બાદ કહ્યું હતું કે આ રમતમાં ઈતિહાસ રચવો ખરેખર ખાસ છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું 24 ગ્રાન્ડ સ્લેમ વિશે વાત કરીશ. ક્યારેય વિચાર્યું ન હતું કે આ વાસ્તવિકતા થશે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મને લાગ્યું કે મારી પાસે એક તક છે.