
દેશના હજારો સૈનિકો પ્રતિકૂળ વાતાવરણમાં અંતરિયાળ વિસ્તારોમાં સરહદોની સુરક્ષા માટે ચોવીસ કલાક ખડે પગે ઊભા છે. તાપ, તડકો, હાડ થિજાવતી ઠંડી, વરસાદ વગેરે જેવી દરેક પ્રતિકુળ પરિસ્થિતિનો તેઓ સમાનો કરીને દેશને સુરક્ષિત રાખી રહ્યા છે. તેમનો દિલથી આભાર માનવો જોઇએ કે તેમના કારણે આપણે ચેનની નિંદર લઇ શકીએ છીએ. આ આભાર વ્યક્ત કરવા છેલ્લા ચાર વર્ષથી પનવેલની ‘ભારત વિકાસ પરિષદ’ સંસ્થા દ્વારા ‘સૈનિકો’ માટે પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં તહેવારના આનંદથી વંચિત રહેલા સૈનિકોને દિવાળીનો નાસ્તો મોકલવામાં આવે છે. સંસ્થાએ આ વર્ષે પણ સરહદ પર રક્ષા કરતા જવાનોને ચકલી, ચેવડા, લાડુ, સેવથી ભરેલા દસ હજાર બોક્સ ભેટ તરીકે મોકલ્યા છે.
પનવેલમાં ‘ભારત વિકાસ પરિષદ’ તરફથી દિવાળીના નાસ્તાના કુલ 10,000 બોક્સ મોકલવામાં આવ્યા છે, જેમાં કુલ 1500 કિલો ચેવડો, 1500 કિલો સેવ, 1200 કિલો ચકરી અને 40 હજાર પૌષ્ટિક લાડુ મોકલવામાં આવ્યા છે. આ નાસ્તો બારામુલા, જમ્મુ સેક્ટરના બારામુલા, પૂંચ, રાજૌરી, લેહ પ્રાંતમાં કારગિલ, સિયાચીન, ગુવાહાટી, તવાંગ જેવા અત્યંત દુર્ગમ વિસ્તારોમાં સૈનિકોને વહેંચવામાં આવશે.
દિવાળીના નાસ્તાની સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો દ્વારા તૈયાર કરાયેલા 5000 શુભેચ્છા પત્ર પણ સૈનિકોને મોકલવામાં આવ્યા છે.