Divya Pahuja Murder: પોલીસને મોટી સફળતા હાથ લાગી, હત્યામાં વપરાયેલી પિસ્તોલ દિલ્હીમાં મળી આવી
ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં મોડલ દિવ્યા પાહુજા હત્યા કેસમાં પોલીસની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પૂર્વ મોડલ દિવ્યા પાહુજાની હત્યા કરવા માટે વપરાયેલી પિસ્તોલ મળી આવી છે. બુધવારે જૂની દિલ્હી રોડ પરથી પિસ્તોલ મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયા બાદ પિસ્તોલ મળી આવી હતી.
દિવ્યાનો મૃતદેહ 13 જાન્યુઆરીએ હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં એક નહેરમાંથી મળી આવ્યો હતો. તેના 11 દિવસ પહેલા અહીંની હોટેલ ‘સિટી પોઈન્ટ’માં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ હત્યા કેસના મુખ્ય આરોપી હોટલ માલિક અભિજીત સિંહને 13 દિવસની પોલીસ કસ્ટડી પૂર્ણ કર્યા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર દિવ્યાના મૃતદેહને કેનાલમાં ફેંકવાનો આરોપી બલરાજ ગિલ પણ પોલીસ કસ્ટડીમાં છે. તેને આજે ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે દાવો કર્યો છે કે 13 દિવસની પોલીસ કસ્ટડી દરમિયાન અભિજીતે કબૂલાત કરી હતી કે તેણે દિવ્યાની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેની પાસેથી મળેલી માહિતીના આધારે પિસ્તોલ મળી આવી હતી.
અહેવાલો મુજબ અભિજીતે પોલીસને કહ્યું કે તેણે દિવ્યાને અંગત કારણોસર ગોળી મારી હતી જ્યારે અગાઉ તેણે કહ્યું હતું કે તેણે દિવ્યાની હત્યા કરી હતી કારણ કે તે તેને બ્લેકમેલ કરતી હતી. ગુરુગ્રામ પોલીસે આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરી છે – અભિજીત, તેના ભાગીદાર મેઘા, ગિલ, હેમરાજ, ઓમપ્રકાશ અને પ્રવેશ.