ગુરૂગ્રામમાં પૂર્વ મોડલની ગોળી મારી હત્યા, મુંબઈના ગેન્ગસ્ટર સાથે છે કનેક્શન!
ગુરૂગ્રામ: પૂર્વ મોડલ અને મુંબઈના ગેંગસ્ટરની એક્સ ગર્લફ્રેન્ડ દિવ્યા પાહુજાની ગુરુગ્રામની એક હોટલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, આ કેસની તપાસ ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે. હવે ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દિવ્યા પહુજા હત્યા કેસની તપાસ કરી રહી છે. મોડલનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી.
ગુરુગ્રામ પોલીસના જણાવ્યા અનુસાર, એક હોટલ માલિક અને તેના સહયોગીઓ પર હત્યાનો આરોપ છે. આરોપીઓએ દિવ્યાના મૃતદેહને હોટેલ માંથી ખેંચીને BMW કારમાં લઇ ગયા હતા અને પછી મૃતદેહને ક્યાંક ફેંકી દીધો હતો. જો કે હજુ સુધી પોલીસને લાશ મળી નથી. હત્યાનું કારણ પણ જાણી શકાયું નથી.
પોલીસે જણાવ્યું હતું કે 27 વર્ષીય દિવ્યા પાહુજાના પરિવાર તરફથી ફરિયાદ મળી હતી કે તે 1 જાન્યુઆરીએ દિવ્યા તેના મિત્ર અભિજીત સિંહ સાથે બહાર ગઈ હતી અને ત્યારથી તેની કોઈ જાણકારી નથી. પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે અભિજીત સિંહની ગુરુગ્રામમાં હોટેલ સિટી પોઈન્ટ છે. દિવ્યાનો ફોન ઘણા કલાકો સુધી સ્વિચ ઓફ હતો.
જ્યારે પોલીસ હોટલ પર પહોંચી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો તેણે જોયું કે લાશને બેડશીટમાં લપેટીને તેના કોરિડોરમાં ખેંચી લઇ જવામાં આવી હતી. પોલીસે અભિજીત સિંહની ધરપકડ કરી હતી. પોલીસ ભૂતપૂર્વ મોડલના મૃતદેહ અને હોટલ માલિકના બે સહયોગીઓની શોધ કરી રહી છે.
મુંબઈમાં કથિત નકલી પોલીસ એન્કાઉન્ટરમાં ગેંગસ્ટરના મોતના કેસમાં આરોપીઓમાં સામેલ ભૂતપૂર્વ મોડલ દિવ્યને થોડા મહિના પહેલા જ જામીન મળ્યા હતા.પોલીસે બુધવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે પાંચ લોકો પૂર્વ મોડલ દિવ્યા પહુજાને કથિત રીતે હોટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેઓએ દિવ્યાના માથામાં ગોળી મારી હતી. આરોપીઓ મૃતદેહને કારમાં મુકીને ક્યાંક ફેંકી આવ્યા હતા, તેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.
બોમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે જૂનમાં દિવ્યા પહુજાને જામીન આપ્યા હતા. પહુજાની લગભગ સાત વર્ષ પહેલા 7 ફેબ્રુઆરી, 2016ના રોજ મુંબઈની એક હોટલમાં ગેંગસ્ટર સંદીપ ગડોલીની હત્યાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે દિવ્યા, તેની માતા અને પાંચ પોલીસકર્મીઓની ધરપકડ કરી હતી. આ પોલીસકર્મીઓએ કથિત રીતે ગેંગસ્ટરની હત્યા કરી હતી હવે દિવ્યા પહુજાની પણ હત્યા કરવામાં આવી છે. પોલીસ તેના મૃતદેહની શોધ કરી રહી છે.