Top Newsનેશનલ

દક્ષિણમાં ‘દિત્વા’નું સંકટ: તમિલનાડુ, આંધ્રમાં આજે અને કાલે અતિભારે વરસાદનું એલર્ટ!

નવી દિલ્હી: હવામાન વિભાગે સાયક્લોન ‘દિત્વા’ ના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ભારતના ઘણા રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને રાયલસીમા વિસ્તારોમાં 27 નવેમ્બરથી 1 ડિસેમ્બરની વચ્ચે વ્યાપક અને અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગની ચેતવણી મુજબ, તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ‘અતિભારે વરસાદ’ની સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે દક્ષિણ આંધ્ર પ્રદેશ અને રાયલસીમામાં 30 નવેમ્બરના રોજ પણ ગંભીર વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે હવામાનની આ વ્યાપક અસર નબળા પડી ગયેલા સાયક્લોન ‘સેન્યાર’ અને નવા સાયક્લોન ‘દિત્વા’ની સંયુક્ત અસરથી ઉત્પન્ન થઈ રહ્યું છે.

IMDના જણાવ્યા અનુસાર, સાયક્લોન ‘દિત્વા’ બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક ડિપ્રેશન તરીકે રચાયું છે અને તે સતત ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.

હાલમાં આ વાવાઝોડું શ્રીલંકા નજીક કેન્દ્રિત છે, અને તે 30 નવેમ્બરની શરૂઆત સુધીમાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકિનારા નજીક પહોંચે તેવી સંભાવના છે. આ વાવાઝોડાને કારણે કેરળમાં પણ 27 થી 29 નવેમ્બરની વચ્ચે ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ કર્ણાટકમાં 29 નવેમ્બરના રોજ અને તેલંગાણામાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને અંદમાન નિકોબાર દ્વીપસમૂહમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે, સાથે જ અંદમાન વિસ્તારમાં 27 થી 29 નવેમ્બર સુધી 30-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાના સંકેતો આપ્યા છે.

બીજી તરફ, થોડા દિવસો પહેલા સક્રિય થયેલું સાયક્લોન ‘સેન્યાર’ હવે ઘણું નબળું પડી ગયું છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ‘દિત્વા’ અને સતત નબળા પડી રહેલા ‘સેન્યાર’ની સંયુક્ત અસરથી જ દક્ષિણ ભારતના આ રાજ્યોમાં વ્યાપક વરસાદની સ્થિતિ ઊભી થશે. હવામાનની આ ગંભીર પરિસ્થિતિને જોતાં ગુરુવારે પ્રી-સાયક્લોન એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે, જેથી સંબંધિત રાજ્ય સરકારો સમયસર જરૂરી સુરક્ષા પગલાં લઈ શકે.

આ પણ વાંચો…આજે ત્રાટકશે ‘મોન્થા’ વાવાઝોડું : આંધ્રપ્રદેશ પર સૌથી મોટો ખતરો, 100 KM/Hની ઝડપની આગાહી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button