બિહારમાં જિલ્લા મેજિસ્ટ્રેટની કારે ચાર લોકોને કચડ્યાં, બેનાં મોત
મધુબનીઃ બિહારના મધેપુરા જિલ્લાના સરકારી અધિકારીની કારે ચાર લોકોને કચડ્યા હતા, જેમાં બેનાં મોત થયા હતા અને બેને ગંભીર ઇજા પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૭ પર મધુબની જિલ્લાના ફુલપારસ વિસ્તારમાં થયો હતો, જ્યાં મધેપુરાના જિલ્લા મેજિસ્ટ્રેટની સરકારી કારે ચાર લોકોને હડફેટમાં લઇને રોડની બાજુની રેલિંગ સાથે અથડાઇ હતી.
મધુબનીના પોલીસ અધિક્ષક સુશીલ કુમારના જણાવ્યા અનુસાર મધેપુરાના ડીએમ કારની અંદર હતા કે કેમ તે તાત્કાલિક જાણી શકાયું નથી. કારમાં સવાર લોકો વાહન છોડીને સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. કાર દરભંગા તરફ જઇ રહી હતી.
આ અકસ્માત મુદ્દે સ્થાનિક સાક્ષીઓએ કહ્યું હતું કે કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને રોડ ક્રોસ કરી રહેલા લોકોના ટોળાને હડફેટે લીધું હતું. સરકારી કારે ચાર લોકોને કચડ્યા હતા, જેમાં સ્થાનિક રહેવાસી માતા-પુત્રીના મોત થયા હતા. મૃતકની ઓળખ ગુડિયા દેવી (29) અને તેની દીકરી આરતી કુમારી (10) તરીકે કરવામાં આવી છે, જ્યારે અન્ય કાર્યકર્તાને પણ ઈજા પહોંચી હતી.
રાજસ્થાનના બે એનએચએઆઇના ઘાયલ કાર્યકર્તાઓને સ્થાનિક હોસ્પિટલમાંથી દરભંગા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતના વિરોધમાં સ્થાનિકોએ રોડ બ્લોક કરી દીધો હતો. અકસ્માતના સંદર્ભમાં એફઆઇઆર દાખલ કરવામાં આવશે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવશે તેમ પોલીસે ઉમેર્યું હતું.