શૅરબજારમાં હાહાકાર રોકાણકારોએ ₹ ૭.૫૯ લાખ કરોડ ગુમાવ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં તીવ્ર બની રહેલા ઘર્ષણ વચ્ચે ઇક્વિટી માર્કેટમાં ભારે કડાકો બોલાઇ જતાં સોમવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૫૯ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું હતું. સેન્સેક્સ ૮૨૫.૭૪ પોઈન્ટ અથવા ૧.૨૬ ટકા ઘટીને ૬૪,૫૭૧.૮૮ પોઈન્ટ સ્થિર થયો હતો. ચાર દિવસમાં બીએસઇ બેન્ચમાર્ક ૧,૮૫૬.૨૧ પોઈન્ટ અથવા ૨.૭૯ ટકા ઘટ્યો છે. ઇક્વિટીમાં નબળા વલણ વચ્ચે, બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન માર્કેટ ચાર દિવસમાં રૂ. ૧૨,૫૧,૭૦૦.૭૩
કરોડ ઘટીને રૂ. ૩,૧૧,૩૦,૭૨૪.૪૦ કરોડે પહોંચ્યું હતું.
માત્ર સોમવારે જ બીએસઇ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ વેલ્યુએશન રૂ. ૭,૫૯,૦૪૧.૬૩ કરોડ ઘટ્યું હતું. બીએસઇ પર કુલ ૩,૧૯૬ કંપનીઓ ઘટી હતી, જ્યારે ૬૩૮ આગળ વધી હતી અને ૧૫૬ યથાવત્ રહી હતી.
છેલ્લા કલાકના વેપારમાં તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું કારણ કે મધ્ય પૂર્વ પ્રદેશમાં ઉકળતા ભૌગોલિક રાજકીય તણાવને કારણે ઇક્વિટી બજારમાં ગભરાટ ફેલાયો હતો અને રોકાણકારોએ ઈક્વિટી હોલ્ડિંગને ઓફલોડ કરવા દોટ મૂકી હતી.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, રોકાણકારો પહેલેથી જ વ્યાજ દરમાં વધારા અને ફુગાવા અંગે ચિંતિત છે, અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષના ઉમેરા સાથે, અનિશ્ર્ચિતતા ઓર વધી છે અને વૈશ્ર્વિક ઇક્વિટીનું સેન્ટિમેન્ટ વધુને વધુ નબળું પડતું જાય છે.
વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૪ ટકા વધીને ૯૨.૧૮ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. લાર્જ કેપ સાથે આ સત્રમાં નાના શેરોમાં પણ ધોવાણ જોવા મળ્યું હતું. બ્રોડર માર્કેટમાં સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪.૧૮ ટકા અને મિડકેપ ઇન્ડેક્સમાં ૨.૫૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
મધ્ય પૂર્વમાં પ્રાદેશિક સંઘર્ષનો ડર અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા લાંબા સમય સુધી દરમાં વધારાની ચિંતાને કારણે બજારમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. કોર્પોરેટ ક્ષેત્રની અર્નિંગ સિઝન પણ અત્યાર સુધી મિશ્ર રહી છે, આમ બજારે સ્થિતિસ્થાપકતા ગુમાવી છે.