‘નિકાહ માટે CRPF મુખ્યાલયે મંજૂરી આપી હતી’ બરતરફ કરાયેલા જવાને આરોપો નકારી કાઢ્યા

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામે લેવામાં આવી રહેલા પગલાના ભાગ રૂપે ભારત સરકારે પાકિસ્તાની નાગરીકોને ભારત છોડવા આદેશ આપ્યો છે. એવામાં જાણવા મળ્યું હતું કે સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ(CRPF)ના જવાન મુનીર અહેમદ તેની પાકિસ્તાન મૂળની પત્ની સાથે રહે છે. શિસ્તભંગ બદલ જવાનને બરતરફ કરવામાં આવ્યો(CRPF Sacked Jawan) છે. જોકે મુનીરે દલીલ આપી છે કે CRPFના મુખ્યાલયમાંથી પરવાનગી મળ્યા બાદ જ તેણે વિધિપૂર્વક લગ્ન કર્યા હતાં. હવે મામલો વિવાદનું કેન્દ્ર બન્યો છે.
આ મામલે CRPFના અધિકારીએ જણાવ્યું કે મુનીરે સૌપ્રથમ 18 ઓક્ટોબર, 2023 ના રોજ તેના કમાન્ડન્ટને એક પત્ર લખ્યો હતો, જેમાં પાકિસ્તાની નાગરિક યુવતી સાથે લગ્ન કરવાની પરવાનગી માંગવામાં આવી હતી. આ મામલો વિભાગમાં પેન્ડિંગ હતો, આમ છતાં મુનીરે પોતાના લગ્ન કરી લીધા હતાં.
CRPF મુજબ પાકિસ્તાની યુવતી મીનલ ખાન સાથેના લગ્નની માહિતી છુપાવવા બદલ અને વિઝાની માન્યતા વગર પાકિસ્તાની નાગરિકને આશ્રય આપવા બદલ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમના આરોપ સાથે તેને બરતરફ કરવામાં આવ્યો હતો.
મુનીરે આરોપો નકાર્યા:
મુનીરે એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા જણાવ્યું, “પહેલા મને મીડિયા રિપોર્ટ્સ દ્વારા મારી બરતરફી વિશે ખબર પડી. મને ટૂંક સમયમાં CRPF તરફથી એક પત્ર મળ્યો જેમાં મને બરતરફી વિશે જાણ કરવામાં આવી હતી. આ મારા અને મારા પરિવાર માટે આઘાતજનક છે, કારણ કે મેં હેડક્વાર્ટરમાંથી એક પાકિસ્તાની મહિલા સાથે મારા લગ્ન માટે પરવાનગી માંગી હતી. મને લગ્ન માટે મંજુરી આપવામાં આવી હતી.”
CRPF મુખ્યાલએ મંજૂરી આપી હતી:
મુનીરે કહ્યું કે તે પોતાની બરતરફીને કોર્ટમાં પડકારશે. લગ્ન પહેલાંની પ્રક્રિયા સમજાવતા, મુનીર અહેમદે કહ્યું, “મેં 31 ડિસેમ્બર, 2022 ના રોજ પાકિસ્તાની નાગરિક સાથે લગ્ન કરવાની મારી ઇચ્છા વિષે પહેલીવાર જાણ કરી હતી અને મને પાસપોર્ટ, લગ્ન કાર્ડ અને સોગંદનામાની નકલો આપવા જેવી ઔપચારિકતાઓ પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું હતું.”
મુનીરે કહ્યું, “મેં મારું સોગંદનામું અને મારા માતા-પિતા, સરપંચ અને જિલ્લા વિકાસ પરિષદના સભ્યના સોગંદનામા યોગ્ય માધ્યમથી સબમિટ કર્યા અને આખરે 30 એપ્રિલ, 2024 ના રોજ મુખ્યાલયથી મંજૂરી મળી ગઈ હતી.”
મુનીર અહેમદે દાવો કર્યો હતો કે તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ની જરૂર નથી કારણ કે તેમણે સરકારને વિદેશી નાગરિક સાથેના તેમના લગ્ન વિશે જાણ કરીને ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમને જણાવવામાં આવ્યું હતું કે નિયમો હેઠળ NOC મેળવવા માટે આવી કોઈ જોગવાઈ નથી.
મુનીરે કહ્યું “અમે 24 મે, 2024 ના રોજ વિડીયો કોલ દ્વારા ઓનલાઈન લગ્ન કર્યા અને 72મી બટાલિયનને લગ્નના ફોત, ‘નિકાહ’ના કાગળો અને લગ્નનું પ્રમાણપત્ર સબમિટ કર્યું હતું”
આ મામલો જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. 29 એપ્રિલના રોજ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મીનલને પાકિસ્તાન મોકલવા પર આગામી સુનાવણી 14 મે સુધી સ્ટે આપ્યો છે.
આપણ વાંચો: VIDEO: ઘાયલોને જોઇને પ્રિયંકા ગાંધીએ રોકી દીધો કાફલો; પોતાની એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા